સોનગઢના આમલગુંડી ગામ ખાતે રહેતાં અને સોનગઢ પોલીસ મથકે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતાં યુવકની બાઈકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી જતાં તેમને ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સોનગઢ તાલુકાના આમલગુંડી ગામે રહેતાં અરવિંદ લાલજી ભાઈ ગામીત ખેડૂત છે અને તેમનો દીકરો હિતેશ અરવિંદભાઈ ગામીત (26) છેલ્લાં બે ત્રણ વર્ષથી સોનગઢ પોલીસ મથક વિસ્તારમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. હિતેશભાઈ ગામીત ઘરેથી પોતાની બાઈક નંબર GJ- 26-AC-2428 લઈ રાત્રીના સમયે સોનગઢ ફરજ પર જવા નીકળ્યાં હતાં તેઓ આહવા રોડ પર ચાંપાવાડી ગામના ચર્ચ પાસેથી પસાર થતાં હતાં ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેનું વાહન પૂરઝડપે હંકારી હિતેશભાઈની બાઈકને ટક્કર મારી હતી અને પછી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી પેટમાં અને શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઇજા પામેલાં જીઆરડી જવાન હિતેશભાઈ ગામીતને સારવાર અર્થે 108 વાનની મદદથી સોનગઢ વ્યારા અને બાદમાં વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતાં જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે અજાણ્યા વાહનના ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.


.png)