ભેસ્તાન સિધ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ 30 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. જો કે, કોરોનામાં કામ અટવાયા બાદ ઇજારદારે સમય માંગતા બે વાર સમયમર્યાદા લંબાવાઈ હતી. હાલ 60 મહિને પણ સ્થળ પર માંડ 50 ટકા કામ થયું છે, જેથી ચૂંટણી પછી ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા ફરી દરખાસ્ત મૂકાશે.

અગાઉ બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મૂકાઈ ત્યારે તત્કાલિન ચેરમેને સમયમર્યાદા વધારી આપી હતી. જેની સમયમર્યાદા પણ પૂર્ણ થઇ ગઇ છે. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટર અજય પ્રોટેક, મહેસાણાને સોંપાયો હતો. બ્રિજની પ્રોજેસ્ટ કોસ્ટ 59.42 કરોડ છે. વર્ક ઓર્ડર 7 માર્ચ 2019થી 19 સપ્ટેમ્બર 2021 સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનો હતો. હાલમાં સ્થળ પર 50 ટકા કામ થયું છે.
પાંડેસરાથી વાયા કરાડવા હાઇવેની કનેક્ટિવિટી
ભેસ્તાનથી ડિંડોલી કરાડવાને જોડતો આ બ્રિજ સાકાર થઇ જાય તો બમરોલી-પાંડેસરાથી તિરૂપતિ સર્કલ થઇ બ્રિજ ક્રોસ કરી કરાડવા જઇ શકાય છે, જ્યાંથી ખરવાસા-બોણંદ, ભાટિયા થઈ નેશનલ હાઇવે જઇ શકાય છે, જેમાં ટોલ નાકાથી પણ મુક્તિ મળશે.


.png)