મોદીની ગેરંટી સૌકૌઈ જાણે છે અને હવે કોંગ્રેસે પણ ગેરંટી આપી છે. કોંગ્રેસે આજે આપેલા ચૂંટણીઢંઢેરામાં 25 ગેરંટી આપી છે. 2014માં કોંગ્રેસનો ઢંઢેરો આવ્યો, પણ સત્તા મોદીની આવી. 2019માં પણ કોંગ્રેસનો ઢંઢેરો આવ્યો, પણ સત્તા મોદીની આવી. હવે ભાજપ મોદી સરકારની હેટ્રિકની વાત કરે છે ત્યારે કોંગ્રેસે 2024નો ઢંઢેરો રજૂ કરીને હેટ્રિક કરી છે. આ ઢંઢેરાનો અવાજ ભાજપના કાન સુધી પહોંચ્યો છે, કારણ કે કોંગ્રેસે આ ઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે. 2019માં ટાઈટલ હતું, કોંગ્રેસ વિલ ડિલિવર અને 2014માં ટાઈટલ હતું, યોર વોઇઝ, યોર પ્લેજ.

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં પણ ભાજપને નહીં, મોદીને ટાર્ગેટ બનાવ્યા છે. આખા ઢંઢેરાનો સાર એ છે કે દેશમાં ભયનો ડરનો માહોલ છે, કોંગ્રેસ આ બધામાંથી સ્વતંત્રતા અપાવશે. ઢંઢેરામાં ગરીબ, પછાત વર્ગ, આદિવાસીઓનાં હિતમાં વધારે વાત કરવામાં આવી છે.
કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં કઈ 25 ગેરંટી?
1. લદ્દાખમાં યથાસ્થિતિ જાળવવા પર ભાર મૂકવામાં આવશે.
2. મહિલાઓને સરકારી નોકરીઓમાં 50% અનામત આપવા માટે બંધારણમાં સુધારો.
3. PSU અને સરકારી નોકરીઓમાં કરાર આધારિત નોકરીઓને કાયમી કરવામાં આવશે.
4. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં SC/ST, OBC વર્ગને અનામત આપશે.
5. વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈપણ પ્રકારના ઉત્પીડનથી બચાવવા માટે રોહિત વેમુલા કાયદો લાવવામાં આવશે.
6. સિનિયર સિટિઝન, વિધવા અને દિવ્યાંગ લોકો માટે પેન્શન વધારીને દર મહિને 1000 રૂપિયા કરવામાં આવશે.
7. નિદાન, સર્જરી અને દવાઓ સહિત મફત આરોગ્ય સંભાળ અને જાહેર આરોગ્ય સંભાળ માટે રૂ. 25 લાખ સુધીનો કેશલેસ વીમો.
8. ગરીબ પરિવારો માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે, જેમાં તેમને 1 લાખ રૂપિયા બિનશરતી આપવામાં આવશે.
9. મોદી સરકારનાં 5 વર્ષમાં લોકોનો પગાર સ્થિર રહ્યો છે. આ અર્થતંત્રને પ્રવાહી બનાવાશે.
10. રાષ્ટ્રવ્યાપી સામાજિક-આર્થિક અને જ્ઞાતિની વસતિગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં જાતિઓ, પેટાજાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિ વિશેની માહિતી મેળવી શકાશે.
11. SC, ST અને OBC માટે અનામત મર્યાદામાં 50 ટકાનો વધારો કરવામાં આવશે અને તેમને સંપૂર્ણ અધિકાર આપવામાં આવશે.
12. એક વર્ષની અંદર ST, SC અને OBC માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
13. યુવાનોને 40 લાખ સરકારી નોકરી આપવામાં આવશે.
14. પેપર લીક રોકવા માટે નવા કાયદા અને નીતિઓ બનાવવામાં આવશે.
15. આંગણવાડી કાર્યકરો, આશાવર્કર અને મધ્યાહન ભોજન કાર્યકરોના પગારમાં વધારો કરવામાં આવશે.
16. વર્કિંગ વુમન માટે હોસ્ટેલની સંખ્યા બમણી કરવામાં આવશે.
17. ખેડૂતો માટે જરૂરી ચીજવસ્તુઓ પરથી GST દૂર કરવામાં આવશે અને સ્વામિનાથન ફોર્મ્યુલા સાથે MSP પર કાનૂની ગેરંટી આપવામાં આવશે.
18. પાકના નુકસાનના કિસ્સામાં નાણાં ખેડૂતોના ખાતામાં 30 દિવસ સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
19. મજૂરોનું દૈનિક વેતન વધારીને 400 રૂપિયા કરવામાં આવશે. મનરેગામાં પણ આનો અમલ કરવામાં આવશે. મનરેગા જેવી નવી નીતિઓ શહેરી વિસ્તારો માટે પણ લાવવામાં આવશે.
20. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને જીવન અને અકસ્માત વીમો આપવામાં આવશે.
21. બંધારણીય સુધારા દ્વારા 50 ટકાની મર્યાદા દૂર કરવામાં આવશે.
22. SC અને ST માટે તેમની વસતિ અનુસાર બજેટ ફાળવવામાં આવશે.
23. SC અને ST માટે ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે સંસ્થાકીય લોનમાં વધારો કરવામાં આવશે.
24. તમામ આર્થિક રીતે નબળા સમુદાયના લોકોને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ ભેદભાવ વિના 10 ટકા અનામત આપવામાં આવશે.
25. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ વધારીને બમણી કરવામાં આવશે. PhD.માં સ્કોલરશિપ પણ બમણી કરવામાં આવશે. વિદેશમાં અભ્યાસ માટે પણ મદદ આપવામાં આવશે.
ચૂંટણીઢંઢેરાના મહત્ત્વના 10 પોઈન્ટને સંક્ષિપ્તમાં સમજો...
1. યુવા ન્યાય : 25 વર્ષથી નીચેની ઉંમરના યુવાનો જે ગ્રેજ્યુએટ કે ડિપ્લોમા છે તેમના માટે એક કાયદો લાવશે, જેના હેઠળ સરકારી અને પ્રાઈવેટ સેક્ટરમાં એક વર્ષનું એપ્રેન્ટિસશિપ આપશે. આ કાયદા હેઠળ ટ્રેઈની હોય તોપણ વર્ષે લાખ રૂપિયા પગાર મળશે. કોંગ્રેસ એ અરજદારોને રાહત આપશે, જે કોરોના મહામારીના સમય દરમિયાન 1 એપ્રિલ 2020થી 30 જૂન 2021 દરમિયાન સરકારી પરીક્ષા નથી આપી શક્યા.
2. ભાગીદારી ન્યાય : અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને ગરીબ સામાન્ય વર્ગને મળનારી અનામત પરથી 50 ટકાની મર્યાદા હટાવશે. એક વર્ષમાં અનામતવાળી તમામ જગ્યાઓ પર ભરતી કરાશે.
3. નારી ન્યાય : મહાલક્ષ્મી યોજના હેઠળ ઘરની સૌથી વૃદ્ધ મહિલાના બેન્ક ખાતામાં વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવાશે. 2025માં વિધાનસભા ચૂંટણીમાં જે મહિલાઓ ચૂંટાઈને આવશે તો એ રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ અમાનત લાગુ કરાશે. કેન્દ્ર સરકારની અડધોઅડધ નોકરી મહિલાઓ માટે અમાનત રખાશે.
4. ખેડૂત ન્યાય : સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ સરકારના ટેકાના ભાવોમાં કાયદાકીય ગેરંટી અપાશે. ખરીદ કેન્દ્રો તથા યાર્ડમાં ખેડૂત-વેપારીઓ વચ્ચે લેતી-દેતી થાય છે એના રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન જમા થશે. 30 દિવસમાં પાક વીમાનું નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતોને જીએસટી મુક્ત બનાવાશે.
5. મજૂર ન્યાય : ઔદ્યોગિક અને શ્રમ કાયદાઓમાં સુધારા કરાશે. જેન્ડર અસમાનતા દૂર કરાશે. મજૂર મહિલાઓ સાથે ભેદભાવ નહીં થાય અને 'સમાન કામ-સમાન વેતન'નો સિદ્ધાંત લાગુ પડાશે. મનરેગા હેઠળ મજૂરી વધારીને 400 રૂપિયા કરાશે.
6. સંવિધાનિક ન્યાય : કોંગ્રેસે વન નેશન, વન ઈલેક્શનના વિચારને સ્વીકાર્યો નથી. લોકતંત્રની પરંપરા મજબ જ ચૂંટણીઓ થશે. EVMમાં પારદર્શિતા લાવવામાં આવશે. મીડિયાને સ્વતંત્રતાની અભિવ્યક્તિ આપવામાં આવશે.
7. આર્થિક ન્યાય : અવિશ્વાસ અને ડરના વર્તમાન માહોલને ખતમ કરાશે અને સ્વસ્થ ઈકો સિસ્ટમ બનાવાશે. મુક્ત વેપાર, નિયમ મુજબના આંતરરાષ્ટ્રીય વેપારનું સમર્થન કરાશે.
8. રાજ્ય ન્યાય : પુડુચેરીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે. જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે. શહેરમાં પ્રભાવી શાસન વધે એ માટે કાયદાકીય રીતે મેયરના પાવર વધારાશે.
9. રક્ષા ન્યાય : કોંગ્રેસ નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી બનાવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિયુક્તિ પ્રક્રિયાને ઇન્સ્ટિટ્યૂશનલ બનાવશે. અગ્નિપથ યોજના ખતમ કરાશે અને ત્રણેય પાંખમાં પહેલાંની જેમ સામાન્ય ભરતીપ્રક્રિયા થશે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)નું કાર્યાલય સંસદની એક સિલેક્શન કમિટી હેઠળ લાવવામાં આવશે.
10. પર્યાવરણ ન્યાય : કોંગ્રેસ ગ્રીન ન્યૂ ડીલ ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ શરૂ કરશે. રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમને મજબૂત કરાશે. પહાડી વિસ્તારમાં રહેતા લોકોને લેન્ડસ્લાઈડથી સુરક્ષા મળે એ માટે હાઇ લેવલ કમિટી બનાવાશે. માછીમારોને હેરાનગતિ ન થાય એ રીતે દરિયાકિનારાને સંરક્ષિત કરવાનો પ્લાન બનાવાશે.


.png)