સોનગઢ ના દોણ ગામે રહેતાં એક ખેડૂત રાત્રીના સમયે ખેતરેથી એક્ટિવા લઈ પરત આવતી વેળા ઘર સામે એક વૃક્ષ સાથે મોપેડ અથડાતાં તેમને ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
દોણ દાદરી ફળિયામાં રહેતાં સુમન ભાઈ હરજી ભાઈ ગામીત (50) ગામ ની સીમમાં ખેતર ધરાવતાં હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ગુરુવારે મોપેડ નંબર GJ-26-AA-7882 લઈ ખેતરે ગયા હતાં. ખેતરે ખેતી અંગેનું કામ પૂર્ણ કરી રાત્રીના 8.30 કલાકના સમયે તેઓ એક્ટિવા લઈ પરત ઘર તરફ આવવા માટે નીકળ્યાં હતાં.
આ સમયે સુમનભાઈ ગામિતે તેમની એક્ટિવા પૂરઝડપે હંકારી લાવતાં મોપેડના સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવી દીધો હતો અને તેમના ઘરની સામે જ આવેલાં એક સાગના વૃક્ષ સાથે તેમની એક્ટિવા અથડાવી દીધી હતી. આ અકસ્માતનો બનાવ નોંધાતા તેમનો પુત્ર અને અન્ય મિત્રો અકસ્માત સ્થળ પર દોડી આવી સુમનભાઈને કપાળ અને માથામાં થયેલી ગંભીર ઇજા સાથે સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને લઈ આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઇજાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. સુમનભાઈના પુત્ર હેમંત ગામિતે સોનગઢ પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

.png)