ભાજપમાંથી વર્ષ 2017માંં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ઉમેદવાર ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.મંગળવારે વ્યારા ખાતે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન માજી સાંસદ અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થયું હતું. આ કાર્યક્રમમાં મૂળ કોંગ્રેસી અને પાછળથી ભાજપમાં જોડાયેલા અરવિંદભાઈ ચૌધરી ફરીથી ડૉ.તુષારભાઈના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં.
અરવિંદભાઈ ચૌધરી ગત 2017ના વર્ષમાં બીજેપીની ટીકીટ મેળવી વ્યારા બેઠકના કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પુનાભાઈ ગામીત સામે ચૂંટણી લડી હતી. એ ચૂંટણીમાં પુનાભાઈને 88 હજાર મત મળ્યાં હતાં જ્યારે અરવિંદભાઈને 64 હજાર જેટલાં મત મળ્યાં હતાં અને તેઓ ચૂંટણી હારી ગયાં હતાં. અરવિંદભાઈ ચૌધરી ફરી કોંગ્રેસમાં જોડાતાં તાપી જિલ્લામાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે એ જોવું રહ્યું. એ સાથે જ વ્યારા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી કેવજીભાઈ ચૌધરી પણ વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયાં હતાં.


.png)