દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આજે 21 માર્ચે કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નિવાસસ્થાને પહોંચી જઈ પૂછપછ શરૂ કરી દીધી છે. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
હાલ મળતા અહેવાલો મુજબ ઈડીની ટીમ કેજરીવાલના ઘરમાં સર્ચ ઓપરેશન કરી છે તેમજ તેમની પૂછપરછ પણ કરી રહી છે. તેમના નિવાસસ્થાનની અંદર અને બહાર પોલીસ અધિકારીઓની ટીમ, બહાર બેરીકેડ્સ, પોલીસનો કાફલો અને RAF પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત AAPના કેટલાક નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ તેમને 10મું સમન્સ પાઠવવા ઉપરાંત પૂછપરછ કરવા પહોંચી છે. ઉત્તર જિલ્લાના ડીસીપી મનોજ કુમાર મીના, ACP રેન્કના ઘણા અધિકારીઓ ત્યાં હાજર છે. આ કેસમાં કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવવા છતાં તેઓ ઈડી સમક્ષ હાજર થયા નથી.
કેજરીવાલની લિગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી
EDની ટીમ પહોંચતાંની સાથે જ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ટીમે આ કેસની તાકીદે લિસ્ટિંગની માગ કરી છે. આ પહેલાં બપોરે 2.30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.
EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. જોકે તે એકવાર પણ પૂછપરછ માટે ગયા ન હતા. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. EDને વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.
ઈડીની ટીમ દ્વારા કેજરીવાલની ધરપકડની આશંકાને પગલે આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં પહોંચી ગયા છે. ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. કેજરીવાલના ઘરે ઈડી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ ત્યાં પહોંચી ગયા છે. જોકે તેમને ઘરમાં જવા દેવાયા નથી. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે. ત્યાં પહોંચેલા દિલ્હી કેબિનેટ મંત્રી અતિશીએ કહ્યું કે, કોર્ટે દ્વારા નોટિસ જારી કરાયાના એક કલાકની અંદર ઈડી તેમના નિવાસસ્થાને પહોંચી છે. આના પરથી લાગી રહ્યું છે કે, ઈડી સ્વતંત્ર તપાસ એજન્સી નહીં, પરંતુ ભાજપનું રાજકીય હથિયાર છે.
વિધાનસભા અધ્યક્ષે કહ્યું- ધરપકડ થશે તો કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે
દિલ્હીના સ્પીકર રામનિવાસ ગોયલે કહ્યું- જો ED અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે તો પણ તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. દિલ્હીના તમામ ધારાસભ્યો, પંજાબના ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને તેઓ જેલમાંથી સરકાર ચલાવશે.
ED હેડક્વાર્ટર પાસે અર્ધલશ્કરી દળની 4 કંપની તહેનાત
ED હેડક્વાર્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઓફિસની આસપાસ અર્ધલશ્કરી દળોની ચાર કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસના 100થી વધુ જવાનો પણ હાજર છે.



.png)