લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. આજે (મંગળવાર) બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોરે કેસરિયા કર્યા છે.

કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓના કેસરિયા
અમદાવાદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. તેઓ શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી
અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તેમણે પ્રદેશ પ્રમુખને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, 'મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ-સહકાર રહેશે.'

.png)