અમદાવાદ અને વાળીનાથ બાદ બપોરે નિર્ધારિત સમય 4.00 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાનનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ તથા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે રામ મંદિરની પ્રતિકૃતિનું મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 44,214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતા. આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એકસાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય.
વિકાસના ઉત્સવમાં સામેલ થયો છું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો બધા? એમ પૂછી હળવી શૈલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું, ગુજરાતમાં આજનો આ મારો ત્રીજો કાર્યક્રમ છે. સવારે અમદાવાદમાં સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોના દર્શન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ મહેસાણાના વાળીનાથ મંદિરમાં શિવલિંગના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાની તક મળી.
હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યો છું. મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે. તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. ત્યાર બાદ વડાપ્રધાને કહ્યું, નવસારીમાં હીરા જ ચમકતા હોય તેમ લાગે છે.
ગુજરાતમાં 40,000 કરોડથી વધુના વિકાસ કામો માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજકાલ સમગ્ર દેશમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સંસદમાં પણ તે ચર્ચા છે. ગલી મહોલ્લામાં પણ તેની જ ચર્ચા છે. અને તે ચર્ચા છે મોદીની ગેરન્ટી. દેશના બાળકો પણ કહે છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે. ગુજરાતના લોકો તો વર્ષોથી જાણે છે કે મોદીની ગેરન્ટી એટલે કામ પુરું થવાની ગેરન્ટી.


.png)