18, ફેબ્રુઆરીનો દિવસ NCC સર્ટિફિકેટની પરીક્ષાની તૈયારી કરનારા માટે દુઃખદ રહ્યો હતો. દેશમાં NCC સર્ટિફિકેટની પરીક્ષા હાથ ધરાવાની હતી. રાજ્યમાં સી-સર્ટિફીકેટ સાથે એરફોર્સને લગતી પરીક્ષાનું પેપર હતું.
NCCની પરીક્ષા રદ્દ: રાજ્યના રાજકોટની ચાર બટાલિયનના 827 ઉમેદવારો તો ભાવનગર-અમરેલીના 448 પરીક્ષાર્થીઓ ભાવનગર ખાતે NCC સર્ટિફિકેટની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચે એ પહેલા પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ્દ કરવાના સમાચારો આવ્યા હતા. રાજ્યમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરના કેડેટ પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા જ રદ્દ થતા રોષે ભરાયા હતા.
પરીક્ષાર્થીઓમાં હોબાળો: રાજ્યમાં NCC સર્ટિફિકેટની પરીક્ષા 18 ફેબ્રુઆરીના રોજ આયોજિત હતી. પણ રાજ્યમાં અન્ય જાહેર પરીક્ષાના પેપરો ફૂટ્યા છે એમ NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર પણ પરીક્ષાના એક કલાક પહેલા લીક થતાં પરીક્ષાર્થીઓમાં હોબાળો મચ્યો હતો. NCC સર્ટિફિકેટની પરીક્ષા રદ્દ કરવી પડી હતી. NCC સર્ટિફિકેટની પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના કુલ મળીને 448 પરીક્ષાર્થીઓ પેપર આપવાના હતા. જો કે આ બાબતે NCC તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.