પરંપરાગત આદિવાસી જમણનો સ્વાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણ્યો
મુખ્યમંત્રીને જમવા અંગે પુછવામાં આવ્યું, ત્યારે CMએ પોતે કોઇ એજન્સીને જમણવારનો કોન્ટ્રેક્ટ આપવા કરતા, કોઇ લાભાર્થી આદિવાસી બંધુના ઘરનું ભોજન માણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સ્વભાવે મૃદુ અને મિતભાષી મુખ્યમંત્રીએ આજે સોનગઢ તાલુકાના PMAY અર્બન યોજનાના આદિવાસી લાભાર્થી સોનાબેન મગનભાઈ પવારના ઘરે જમણવાર માણ્યું હતું.
મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરી જ્યારે લાભાર્થીના ઘરે પધાર્યા ત્યારે, સૌ પ્રથમ તેમણે PMAY અર્બન યોજના અંતર્ગત અને પોતાની બચતમાંથી ઉભુ કરેલુ લાભાર્થીનું ઘર જોઇને ખુશ થયા હતા. ફ્રેશ થયા બાદ જ્યારે મુખ્યમંત્રી જમવા બેઠા, તો ભોજનમાં કઇંક નવિનતા જોતા તુરંત જ તેઓનું ધ્યાન ભોજનની થાળી ઉપર ગયું હતું. ભોજનની થાડી જોતા સમજી ગયા હતા કે આ પરંપરાગત આદિવાસી જમણ છે. પરંતુ પોતે કાંદા લસણ વગરનું ભોજન જમતા હોઇ, આ અંગે તેમણે લાભાર્થી બેન પાસે ખાત્રી કરી હતી.

તેમણે દરેક ભોજન સામગ્રીનો સ્વાદ માણી ભરપેટ ભોજન ગ્રહણ કર્યું હતું. મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોએ પણ તાપી જિલ્લાનો આદિવાસી સ્વાદ માણી જઠરાગ્નીને તૃપ્ત કરી હતી. ભોજન બાદ મુખ્યમંત્રીએ બહેનોને મળી તેમણે બનાવેલા ભોજનની સરાહના કરી, પરિવારજનો સાથે યાદગીરીરૂપે તસ્વીરો પણ લેવડાવી હતી. મુખ્યમંત્રીએ પરિવારજનો સાથે વાર્તાલાપ કરતા તેઓને જણાવ્યું હતું કે, “ભોજન એટલુ સ્વાદિસ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. આવા જમણવાર માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવુ પડશે.” CMએ હસ્તા હસ્તા આટલી જહેમત ઉઠાવી લાભાર્થી પરીવારે સ્વયં ખાસ તૈયાર કરેલા આદિવાસી ભોજન માટે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.