દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે કેટલીક જગ્યાએ લોકોને પાણી ભરાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની તીવ્રતા 29 જૂન સુધી યથાવત રહેશે અને 30 જૂનથી વરસાદ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ શકે છે. 4 જુલાઈ સુધી દિલ્હીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં પણ 31 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ અનુસાર થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ અને નાસિક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 30 જૂન બાદ મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. છેલ્લા બે દિવસથી મુંબઇમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોરેગાંવમાં એક વૃક્ષ ધરાશાયી થતા યુવકનું મૃત્યુ હતું. એક દિવસ અગાઉ પણ વૃક્ષ જમીનદોસ્ત થયા એક વ્યક્તિનું મોત થયું હતું.



.png)