બિપરજોય વાવાઝોડું ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ થઇ ગયું હતું. જો કે, આ પહેલાં સુરતમાં પણ તેની અસર વર્તાઇ હતી. મોડીરાતે અને દિવસ દરમિયાન છૂટાછવાયાં ઝાપટા થયા હતા. આ સાથે જ મહત્તમ 68.5 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતાં 50થી વધુ વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. ગુરુવારે દિવસ દરમિયાન શહેરના તાપી બ્રિજો પર નાના વાહનચાલકોને તેજ પવનોને કારણે મુશ્કેલી પડી હતી. આગામી 2 દિવસ 60 કિમીના પવન સાથે વાવાઝોડાની અસર રહેવાની આગાહી હોવાથી શુક્રવારે શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા કલેક્ટરે નિર્ણય લીધો છે.
શનિવારે શહેરની સ્કૂલો ચાલુ રહેશે કે બંધ તે આજે નક્કી કરાશે
વાવાઝોડા સામે સાવચેતાના ભાગરૂપે ગુરુવારે મોડી રાત્રે કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વચ્ચે ચર્ચા થયા પ્રમાણે શુક્રવારે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. શનિવારે શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું કે નહીં તે કાલે નક્કી કરાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને કોઇ અસર ન થાય તે માટે શુક્રવારે ગાંધીનગરથી શાળાઓમાં રજા જાહેર કરી હતી. શુક્રવારે વાવાઝોડાની અસર ઓછી હશે તો શનિવારે સ્કૂલો ચાલુ રહેશે અને જો અસર વધારે જોવા મળે તો શનિવારે પણ શૈક્ષણિક કાર્ય બંધ રખાશે.


.png)