વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાષ્ટ્રપતિ જૉ બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ મોટી સંખ્યામાં ભારતીય સમુદાય પણ એકઠો થયો હતો. અહીં બંને રાષ્ટ્રાધ્યક્ષોએ ટૂંકાં સંબોધનો પણ કર્યાં.
પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચતાં જ તેમનું અહીં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીને 21 તોપોની સલામી પણ અપાઈ. અહીં જૉ બાયડન અને તેમનાં પત્ની જીલ બાયડને પીએમ મોદીને વ્હાઈટ હાઉસમાં આવકાર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ એકબીજાના દેશના પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સતત ‘મોદી….મોદી’ અને ‘ભારત માતા કી જય…’ના નારા લાગતા રહ્યા.
બે મહાન રાષ્ટ્રો વિશ્વના પડકારોને પહોંચી વળવા માટે એકસાથે કામ કરશે: બાયડન
વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીના આગમન સમયે ભારતનું રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનને આવકારતાં યુએસ પ્રેસિડેન્ટ જૉ બાયડને કહ્યું કે, “પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં ફરી એક વખત સ્વાગત છે. તમારી રાજકીય મુલાકાત પર યજમાની કરનાર પ્રથમ વ્યક્ત હોવાનો મને ગર્વ છે.” તેમણે ઉમેર્યું કે, “લગભગ 15 વર્ષમાં પહેલી વખત અમેરિકા ભારતના વડાપ્રધાન માટે એક અધિકારીક રાજકીય યાત્રાની યજમાની કરી રહ્યું છે. આ મારા માટે સન્માનની વાત છે.” તેમણે ઉમેર્યું કે, “આ સદીમાં જે પડકારો અને અવસરો વિશ્વની સામે છે, તેને જોતાં એ જરૂરી છે કે ભારત અને અમેરિકા એકસાથે કામ કરીને નેતૃત્વ કરે..અને આપણે એ કરી રહ્યા છીએ.”



.png)