ચોમાસું બેઠું નથી અને કમોસમી વરસાદ ગુજરાતમાં કેડો મૂકતું નથી. આ વર્ષે ઉનાળો માંડ માંડ જામે ત્યાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેએ ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડશે
ગઈકાલે સાંજે અમદાવાદમાં ખાબકેલા કમોસમી માવઠા બાદ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
બે દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે, સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
15 જૂન પહેલાં ગુજરાતના દરિયામાં તોફાનની શક્યતા
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આંદામાન-નિકોબારથી આજથી ચોમાસું આગળ વધી શકે છે તેમજ આંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. 15 જૂન પહેલાં ગુજરાતના દરિયામાં તોફાન સર્જાઈ શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે. 8 અને 9 જૂનની આસપાસ દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના.
ગુજરાતમાં 15થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 22 જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં વરસાદ સામાન્ય રહેશે. મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે.
મધ્ય ભારતમાં પણ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન
બીજી બાજુ, ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. જે અનુસાર, મધ્ય ભારતમાં પણ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે. ચોમાસું નબળું રહેવાના અનુમાનથી ખેડૂતોની ચિંતા વધી છે, પરંતુ ચોમાસામાં વરસાદ કેટલા ટકા થશે એના કરતાં ચોમાસું નિયમિત રહે એ જરૂરી છે. ઓછા વરસાદમાં પણ કૃષિ પાકને જરૂર છે એવા સમયે વરસાદ થશે તો નબળા ચોમાસામાં પણ કૃષિ પાક સારો થાય છે.
આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે
આ ઉપરાંત ગઇકાલથી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જતાં કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભેજ અને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતાં એમ પણ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે, પરંતુ લોકલ કનેક્ટિવિટી એક્ટિવિટીની સંભાવના નથી, જો શક્યતાઓ દેખાશે તો એ અંગેની માહિતી આપવામાં આવશે. જોકે આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
દેશમાં 96 ટકા વરસાદ પડવાની સંભાવના
દેશમાં હજુ ચોમાસાની શરૂઆત પણ થઈ નથી ત્યારે અલ-નીનોએ એની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. આને કારણે જૂનમાં વરસાદ ઓછો અને ગરમી વધારે પડી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે જારી કરેલા અંદાજમાં કહેવામાં આવ્યું છે કે ચાર મહિના સુધી ચાલનારા ચોમાસાના પ્રથમ મહિના જૂનમાં સામાન્ય કરતાં ઓછો 92 ટકા વરસાદ થવાના સંકેત છે. જૂનમાં સામાન્ય રીતે દેશમાં 165.4 મિમી વરસાદ થાય છે. અલબત્ત, આઇએમડીએ દેશભરમાં સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની સીઝનમાં સામાન્યથી ઓછો એટલે કે 92 ટકા, મધ્ય ભારત, પૂર્વ અને પૂર્વોતર તેમજ દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના નિષ્ણાત કહી રહ્યા છે કે જૂનમાં થનારા ઓછા વરસાદની ભરપાઇ આવનારા મહિનામાં થશે. મેમાં આ વખતે સામાન્યથી ઓછું તાપમાન રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેશે.
મોન્સૂનની પ્રગતિ
મોન્સૂન આંદામાન-નિકોબારના દક્ષિણ વિસ્તારમાં નાનકોવરી સુધી 19મી મેએ પહોંચી ગયા બાદ હવે એની ગતિ અટકી છે. પોર્ટ બ્લેર પહોંચવામાં મોન્સૂનને 5 દિવસ મોડું થયું છે. આઇએમડીનો અંદાજ છે કે 2 દિવસમાં મોન્સૂનમાં ઝડપ આવશે, ત્યાર બાદ બંગાળના અખાતમાં ઝડપથી આગળ વધી શકે છે.
પ્રી-મોન્સૂનમાં વધુ વરસાદ પડ્યો
પ્રી-મોન્સૂન સીઝનમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. પહેલી માર્ચથી 25મી મે દરમિયાન 115.5 મિમી વરસાદ થાય છે. આ વખતે 129.5 મિમી વરસાદ થયો છે, જે 12 ટકા વધારે છે. પશ્ચિમ બંગાળમાં 11-19 એપ્રિલ વચ્ચે હીટવેવને બાદ કરતાં દેશમાં અન્ય કોઇ જગ્યાએ હીટવેવનો દોર રહ્યો નથી.

.jpeg)
.jpeg)
.jpeg)

.png)