ઉત્તરાયણે હજારો લોકો પતંગની મજામાં, જીવદયાપ્રેમી ઘાયલ પક્ષીઓની સેવામાં

0
નવસારીમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે જીવદયા પ્રેમીઓએ પતંગની દોરીથી ઘાયલ થયેલ 90થી વધુ પક્ષીઓને સારવાર આપી બચાવી લીધા હતા. ચાલુ સાલ શનિવારે ઉતરાયણના દિવસ ઉપરાંત વાસી ઉતરાયણ પણ રવિવારે જાહેર રજાના દિવસે હોય અને પવન પણ સારો હોય મોટી સંખ્યામાં લોકોએ પતંગ ઉડાડ્યા હતા. જોકે પતંગની મજામાં ધારદાર દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ પણ થયા હતા. શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન પતંગની દોરીથી આકાશમાં ઊડી રહેલ અબોલા 90થી વધુ પક્ષીઓ ઘાયલ થઈ નીચે પડ્યા હતા, જેમાં સૌથી વધુ કબૂતરો હતા.


આ ઘાયલ પક્ષીઓનો મેસેજ મળતાં જ જીવદયા અને એનિમલ ફ્રેન્ડલી સંસ્થાઓના અંદાજે 110 સ્વયંસેવકો અને વનવિભાગનો સ્ટાફ, તબીબો એક્શનમાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓને તુરંત સારવાર કેન્દ્રો ઉપર લઇ જઇ સારવાર અપાઈ હતી. જરૂર હોય એવા કિસ્સામાં પક્ષીઓને બચાવવા ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા. હવે આ સારવાર કરાયેલ પક્ષીઓને થોડા દિવસ નિરીક્ષણમાં રખાયા બાદ છોડી મુકાશે એમ જાણવા મળ્યું છે. આમ તો મહત્તમ પક્ષી બચાવી લેવાયા હતા પણ. ત્રણેક બર્ડ મૃત્યુ પણ પામ્યા હતા.

આ એનજીઓના સ્વયંસેવક દોડતા રહ્યા
નવસારીમાં વનવિભાગ અને પશુપાલન વિભાગ સાથે એનજીઓ જેવી કે, પાર્શ્વનાથ જૈન મંડળ, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી, એનિમલ સેવિંગ્સ ગૃપ, કરૂણા મંડળ, ફ્રેન્ડર્સ ઓફ નેચર, વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન, ખડસુપા પાંજરાપોળ, રેસ્ક્યુ એન્ડ રીહેબ ફાઉન્ડેશન વિગેરેના કાર્યકરો પક્ષીઓને બચાવવા ઝઝૂમતા રહ્યા હતા.

દોરાઓનો નાશ કરવા હવે દોરાયજ્ઞ
ઉતરાયણ પૂર્ણ થયા બાદ પણ પક્ષીઓને ઠેર ઠેર લટકતા દોરાથી જીવનું જોખમ હોય છે. જેને અટકાવવા નવસારી પંથકની બનાશ ગૌ સેવા કેન્દ્ર, ઓમ સેવા ટ્રસ્ટ વિગેરે સંસ્થાઓએ દોરા ભેગા કરી તેનો નાશ કરવા દોરાયજ્ઞ પણ રાખ્યો છે, જે માટે દોરા ભેગા કરી લાવનાર માટે પ્રોત્સાહન પણ રાખ્યું છે.

ગણદેવી તાલુકામાં 7 પક્ષી બચાવાયા
પક્ષીઓ ઉડતા રહે એ જ આપણી સાચી મકરસંક્રાંતિની ભાવના સાથે કરુણા અભિયાન 2023 શરૂ કરાયું હતું. નિર્દોષ પક્ષીઓને સારામાં સારી સારવાર મળે તે માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી હતી. દરમિયાન મકરસંક્રાંતિ પર્વે 7 ઘાયલ પક્ષીઓને બચાવી લેવાયા હતા. ગણદેવી રેન્જ સામાજિક વનીકરણ વિભાગના, નવસારી વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન ના સભ્યો સહિતની ટીમે ખડે પગે ફરજ બજાવી હતી. ઉત્તરાયણ બાદ કપાયેલી દોરીમાં ઉડતા પક્ષીઓ ભેરવાતા પાંખો કપાઈ હતી. જેની સારવાર કરુણા એમ્બ્યુલન્સ ના દીપ પટેલ એ કરી હતી. બે દિવસમાં કબુતર-6 અને અમલસાડ પાસેથી 1 ફ્લેમિંગો પક્ષીને બચાવી લેવાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top