સોનગઢ પાલિકા દ્વારા આવનાર નવા વર્ષ 2023 માં રૂપિયા 3.70 કરોડ ના ખર્ચ સાથે તૈયાર થયેલા કુલ બે રસ્તાના બ્યુટીફિકેશન સાથેના કામની નગરજનોને ભેટ આપવામાં આવનાર છે. એ સાથે જ સ્ટેશન રોડ પર બે બ્રિજને પહોળા કરવામાં આવી રહ્યાં છે તથા નવા વર્ષમાં રંગ ઉપવન ખાતે 4.50 કરોડના ખર્ચ સાથે બનનાર કોમ્યુનિટી હોલ અને 4 કરોડના ખર્ચ સાથે રિવર ફ્રન્ટ ફેઝ 2નું કામ પણ શરૂ થનાર છે. સોનગઢના દેવજીપૂરા વિસ્તાર હવે વિકસિત થઈ રહ્યો છે અને અહીં કેટલીય નવી કોલોની બની રહી છે.
એ સાથે જ લોકો માટે હરવા ફરવા અને વૉકિંગ માટે ની સુવિધા ઘટતી હતી. સોનગઢ નગર પાલિકા દ્વારા દેવજીપૂરાથી ઉકાઈ રોડને જોડતાં હયાત માર્ગને ડેવલપમેન્ટ ઓફ રોડ બ્યુટીફિકેશન અંતર્ગત રૂ.1, 91, 000, 00નો ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ કામગીરી લગભગ 75 % જેટલી પૂર્ણ થઈ ગઈ છે.
આગામી ટૂંકા ગાળામાં બ્યુટીફિકેશન સાથે નો માર્ગ ખુલ્લો મૂકવામાં આવનાર છે. વધુ વિગત આપતાં નગર પાલિકા પ્રમુખ ટપુ ભાઈ ભરવાડ,પાલિકા કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ શેઠ અને બાંધકામ અધ્યક્ષ અમિતભાઇ અગ્રવાલે ઉમેર્યું કે રેલવે સ્ટેશન રોડ તરફ પણ ઘણો ટ્રાફિક વધવા પામ્યો છે.
અને એ તરફ મોટા પ્રમાણમાં રહેણાંક સોસાયટી બની ગઈ છે અને જેથી સ્ટેશન રોડ ને પણ ડેવલોપમેન્ટ કરવાની તાતી જરૂરિયાત હતી. આ સંદર્ભે પાલિકા દ્વારા સ્ટેશન રોડ ને રૂપિયા 1,79,000,00 ના ખર્ચ સાથે અને વૉકિંગ ટ્રેક સહિત બ્યુટીફિકેશન કરી ટીપટોપ કરવામાં આવ્યો છે. આ કામગીરી લગભગ 70 % પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં નગરજનોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે.



.png)