ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયા છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
પૂર્વસંધ્યાએ વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતમાં
એક દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી ગયા હતા. એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ગયા ત્યારે લોકો તેમને જોવા રોડની બંને સાઈડ ઉમટ્યા હતા. અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. તેમણે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. વડાપ્રધાનના આગમન પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
મંત્રીપદ માટે આ લોકોને ટેલિફોનિક જાણ કરાઈ
શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાઓને સ્થાન મળશે.
સંભવીત નામો
| ક્મ | નામ |
| 1 | શ્રી હર્ષભાઇ સંઘવી |
| 2 | શ્રી જગદીશભાઇ પંચાલ |
| 3 | શ્રી શંકરભાઇ ચૌધરી |
| 4 | શ્રી રમણલાલ વોરા |
| 5 | શ્રી કુવરજીભાઇ બાવળીયા |
| 6 | શ્રી કુવરજીભાઇ હળપત |
| 7 | શ્રી પ્રફુલભાઇ પાનસેરિયા |
| 8 | શ્રી ભીખુસિંહ પરમાર |
| 9 | શ્રી મુકેશભાઇ પટેલ |
| 10 | શ્રી બચુભાઇ ખાબડ |
| 11 | શ્રી બળવંતસિંહ રાજપુત |
| 12 | શ્રી કુબેરભાઇ ડિંડોર |
| 13 | શ્રી ભાનુબેન બાબરિયા |
| 14 | શ્રી પુરષોત્તમ સોલંકી |
| 15 | શ્રી રાઘવજીભાઇ પટેલ |
| 16 | શ્રી રૂષિકેશભાઇ પટેલ |
| 17 | શ્રી કનુભાઇ દેસાઇ |



.png)