- વ્યારા બેઠક : 2017માં 55.3 % મત મેળવનાર કોંગ્રેસને આ વેળા માત્ર 26.81 ટકા મત મળ્યા
- 27.75 % મત સાથે આપ અહીં બીજા ક્રમે
તાપી જિલ્લાની વ્યારા અને નિઝર બંને બેઠકો પર આ વખતે ભલે ભાજપ જીત્યું હોય પરંતુ ચૂંટણી પહેલા આપ દ્વારા કરવામાં આવેલી સસ્તી વીજળી સહિતની અનેક જાહેરાતોએ આદિવાસી મતદારોને આકર્ષયા હતા. જેને કારણે કોંગ્રેસનો ગઢ ગણાતી બંને બેઠકો પર તેને હાર મળી છે. વ્યારા બેઠક પર ગત ચૂંટણીમાં કોંગી ઉમેદવાર ને 55.03 % મત મળ્યાં હતાં.જ્યારે આ વખત ની ચૂંટણીમાં તેમનો વોટ શેર ઘટી ને સીધો 26.81% જેટલો જ થઈ ગયો છે. વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર એ કુલ 27.75 % વોટ શેર મેળવ્યા હતાં.જેથી એમ કહી શકાય કે કોંગ્રેસી ઉમેદવાર ના કપાયેલા મત સીધા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ના ખાતાં માં ગયા છે.
ભાજપે આ બેઠક માટે વોટ શેર ની બાબતે અહીં ખાસ કઈ હરખવા જેવું નથી ગત ચૂંટણી માં તેમને 39.86 % મત મળ્યાં હતાં. 2017માં ભાજપ ના ઉમેદવાર ને 64,162 મત મળ્યાં હતાં જ્યારે આ વખત ના ઉમેદવારે 69,633 મત મેળવી જીત હાંસલ કરી હતી.વ્યારા બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસ ના પુનાજી ગામીતે 88,576 મત સાથે 55.03 % વોટ મેળવ્યા હતાં જ્યારે આ વખતે ગત ચૂંટણીના પ્રમાણમાં માત્ર અડધા જેટલાં જ એટલે કે માત્ર 45,904 મત મેળવી શક્યા હતાં જ્યારે આપ ના બિપિન ચૌધરી ને 47,513 મત મળ્યાં હતાં.
નિઝર બેઠક : 2017માં 51.70 % મત મેળવનાર કોંગ્રેસ આ વેળા 33 .39 ટકા પર આવી ગઇ, આપને અહીં પણ 16.8 % ટકા મત મળ્યા
સોનગઢ : તાપી જિલ્લાની એસ.ટી માટે અનામત ગણાતી નિઝર બેઠક આ વખતે કોંગ્રેસ પાસે થી આંચકી લેવામાં ભાજપ ના ઉમેદવાર સફળ રહ્યા છે ત્યારે આ વખત ની ચૂંટણીમાં નોંધપાત્ર પાસા ક્યાં છે એ અંગે જાણવું રસપ્રદ રહેશે.ગત ચૂંટણીમાં અહીં કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર 23,119 મત થી ચૂંટણી જીત્યા હતાં જ્યારે તે જ ઉમેદવાર હાલ લગભગ એટલા જ એટલે કે 23,160 મત ના અંતર થી હારી ગયા છે.
નિઝર બેઠક પર સને 2017 ની ચૂંટણી માં કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર સુનિલ ગામીત કુલ 1,06,224 મત સાથે કુલ 51.70 % મત મેળવી વિજેતા બન્યાં હતાં જ્યારે હારનાર ભાજપના ઉમેદવાર કાંતિ ગામીત ને કુલ 83,105 મત સાથે 40.45 % મત મળ્યાં હતાં.આ વખત ની સામાન્ય ચૂંટણી માં બીજેપી ના ઉમેદવાર ને મળેલા 97,461 મત થકી વોટ શેર સામાન્ય વધારા સાથે 43.79 % પર પહોંચ્યો હતો.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નો વોટ શેર ઘટી ને 33.39 % પર આવી ગયો હતો અહીં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને 16.08 % મત મળ્યાં હતાં.બીજી રીતે જોઈએ તો ગત ચૂંટણી કરતાં આ વખત ની ચૂંટણીમાં કોંગ્રેસ નો વોટ શેર લગભગ 18 % જેટલો ઘટ્યો હતો જે આપના ખાતામાં જતા તેણ 16 % જેટલાં મત મેળવ્યા હતાં.
વ્યારા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નાજી ગામીત ને ગત ચૂંટણી કરતાં આ વખતે 42,472 જેટલા મત ઓછાં મળ્યાં હતાં જ્યારે આપ ના ઉમેદવારે 47,513 મત મેળવી કોંગ્રેસ ની સાથે સાથે બાકીના અન્ય ઉમેદવાર ના મતો પણ તોડ્યા હતાં.ગત ચૂંટણીમાં અહીં થી પુનાજીભાઈ એ ફૂલ 24,414 મત ની લીડ મેળવી હતી.
જ્યારે હાલ ભાજપ ના મોહન કોંકણી એ નજીકના હરિફ બિપિન ચૌધરી પર 22,120 મત ની લીડ મેળવી હતી જ્યારે કોંગ્રેસ ના ઉમેદવાર તો સીધા ત્રીજા સ્થાને ખસ્યા હતાં.આ બેઠક પર હાલ ના પરિણામમાં વિજેતા મોહન કોકણી ને 40.67 % મત મળ્યાં છે જ્યારે કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો ને મળેલા મતો ની સંયુક્ત ટકાવારી કુલ 54.55 % જેટલી થાય છે.
નિઝર બેઠક પર બીજેપી ને 43.79 % મત મળ્યાં છે જ્યારે કોંગ્રેસ અને આપ ને મળેલા કુલ સંયુક્ત મત ની કુલ ટકાવારી 49.47 % જેટલી થાય છે. આમ કોંગ્રેસ ના મતો વિભાજિત થતાં આ બેઠક ભાજપ ના ખોળે આવી છે.ગત ચૂંટણી માં કોંગ્રેસ ને 1,06,224 મત મળ્યાં હતાં જે આ વખતે ઘટી ને 74,301 જેટલા થઈ ગયા હતાં જ્યારે આપ પાર્ટી ના ઉમેદવાર ને 35,781 મત મળ્યાં છે.આમ ગત ચૂંટણી કરતાં કોંગ્રેસ ને અહીં કુલ 31,223 મત ઓછાં મળ્યાં છે.
જે સીધા આમ આદમી પાર્ટી ના ખાતાં માં જમા થઈ ગયા છે અને એ સાથે તેમણે અન્ય ઉમેદવાર ના મતો પણ પોતાની તરફેણમાં કર્યા હતા.વર્ષ 2017 ની ચૂંટણી વખતે મુખ્ય બે ઉમેદવાર વચ્ચે જ ચૂંટણી જંગ થયો હતો પણ આ વખતે આમ આદમી પાર્ટી એ ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરતાં જ કેટલીય બેઠકો ના પરિણામ બદલાઈ ગયા છે.આ બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર તરીકે મૂળ કોંગ્રેસી ગોત્ર ના એવાં અરવિંદ ગામીત ને ઉતારવામાં આવ્યાં હતાં જે કોંગ્રેસ ના ઉમેદવારની હાર નું કારણ પણ બન્યાં હતાં.



.png)