આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવાની અને જનતાનો અભિપ્રાય માંગવાની જાહેરાત કરી ત્યારે ત્રણ-ચાર નામો ચર્ચામાં હતાં. આમ આદમી પાર્ટીમાં આમ તો ગણ્યાગાંઠ્યા જ નેતાઓ જાણીતા છે એટલે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અલ્પેશ કથીરિયા વગેરેનાં નામો પર અટકળો લગાવવામાં આવી રહી હતી. પણ આજે આખરે પાર્ટીએ પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે.
ઈસુદાન હજુ પૂર્ણ રાજકારણી પણ બની શક્યા નથી. બે વર્ષ પહેલાં તેઓ સ્ટુડિયોમાં બેસીને નેતાઓને સવાલો કરતા હતા, હવે પોતે નેતા બની ગયા છે. બંને તદ્દન જુદાં ક્ષેત્રો છે. એક પત્રકાર તરીકે તેઓ જાણીતા હશે, પણ નેતા તરીકે હજુ લોકોમાં એટલા સ્વીકાર્ય બન્યા નથી. ભૂતકાળમાં તેમની સભાઓમાં કાગડા ઉડ્યા હોવાની પણ ઘટનાઓ બની છે. તેમ છતાં તેમને પાર્ટીએ સીએમ ઉમેદવાર બનાવી દીધા એ વાત કરતાં પણ તેમનાથી પહેલાં પાર્ટીમાં આવેલા અને તેમની સરખામણીએ લોકોમાં વધુ ઓળખીતા ગોપાલ ઇટાલિયાને સીએમ ઉમેદવાર કેમ ન બનાવવામાં આવ્યા તે વાતનું આશ્ચર્ય આ લખનાર સહિત ઘણાને છે.
ગુજરાતમાં પાટીદાર સમાજ કોઈ પણ ચૂંટણીમાં કિંગમેકર રહે છે. કોઈ પાર્ટીઓ આ 15 ટકા વસ્તી ધરાવતા સમુદાયને નારાજ કરતી નથી. સમાજના નેતાઓ માટે પાર્ટીઓમાં લાલ જાજમ પાથરવામાં આવે છે. આ બાજુ આમ આદમી પાર્ટી પણ ઘણા સમયથી ‘પાટીદાર કાર્ડ’ રમી રહી હતી અને એવી પણ વાતો વહેતી કરી હતી કે, ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને આ પાટીદાર સમાજના પાર્ટીમાં હાલ બે જ મુખ્ય ચહેરાઓ છે- ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા.


.png)