ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા મળેલી ભાજપ સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકમાં ભારે તડાફડી થઈ હોવાના અહેવાલ છે. નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરીને નેતાઓને શાંત પાડવા પડયા હોવાનો સૂત્રોનો દાવો છે. મોદી આ ઘટનાક્રમથી અત્યંત નારાજ હોવાનું કહેવાય છે.
ગુજરાત ભાજપમાં ભારે આંતરિક જૂથબંધી છે. આ જૂથના નેતાઓએ પોતપોતાના માણસોને ટિકિટો અપાવવા માટે ઉગ્ર રજૂઆતો કરતાં બેઠકમાં ભારે ગરમી થઈ ગઈ હતી. મોદીએ નેતાઓને ટપારીને જૂથબંધીના બદલે જીતી શકે એવા ઉમેદવારોની જ તરફેણ કરવાની રજૂઆત કરી હતી. મોદીએ નેતાઓને આકરા શબ્દોમાં ભાજપને જીતાડવાના લક્ષ્ય સાથે જ કામે લાગવા પણ સૂચના આપી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. ભાજપે બુધવારથી તમામ બેઠકો પરના ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત આદરી છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી સત્તામાં છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ભાજપનો જંગ હોવાથી ભાજપ માટે આ જંગ પ્રતિષ્ઠાનો છે. મોદીનું વતન હોવાથી પણ ભાજપ માટે આ જંગ મહત્વનો છે.