- આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો વ્યારામાં રોડ શો યોજાયો.
- મોદીના નારા લગાવનારને જણાવ્યું આમના માટે તાળીઓ પાડો એમને નોકરી અને 15 લાખ મળી ગયા હશે
- તાપી જિલ્લામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ચૂંટણી માટે રેલી નીકળી
જોકે સીએમ માનના રોડ શો દરમિયાન 'મોદી મોદી'ના નારા લાગ્યા. જે મુદ્દે ભગવંત માનનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મોદી મોદીના નારા લગાવનારે પ્રોત્સાહન માટે તાળી પાડી કારણ કે એ લોકોના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે.
આપના ભગવંત માને સરકાર બનાવવા માટે કહ્યું કે અમે સર્વેમાં નથી આવતા, અમે સરકારમાં જ આવીએ છીએ.
તાપી જિલ્લામાં વ્યારા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીનો કાર્યક્રમ હતો, જેમાં કબૂતરખાનાથી લઈ જુના બસ સ્ટેન્ડ સુધી રેલી નીકળી હતી. આ રેલી બાદ જુના બસ સ્ટેન્ડ ખાતે રેલી પુરી કરી સભાને સંબોધતા ભગવંત માને જણાવ્યું હતું કે ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં લોકો પરિવર્તન ઈચ્છે છે.
પરિવર્તનની લહેર ચાલે છે. ગુજરાતની પ્રજાએ 27 વર્ષ જૂની ચક્કીથી છુટકારો મેળવી જોઈએ. ચક્કી એટલે કે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ગુંડાગર્દીની ચક્કી બદલવી જરૂરી છે, દર વર્ષે ઝાડ પર પણ પાનખારના લીધે નવા પાન આવે છે. તેમ 27 વર્ષ પછી પરિવર્તન કરવું જરૂરી છે, ભાજપે કોઈ શાળા, હોસ્પિટલ ન બનાવી હોય, નોકરી ન આપી હોય તે બાબતે પોતાની વાત રજૂ કરી હતી. આ સભામાં મહિલાઓનો ઉદ્દેશીને જણાવ્યું હતું કે મહિલા વિના ઘર નહીં ચાલે તો મહિલા વિના દેશ કેવી રીતે ચાલશે? આપની સરકાર ગુજરાતમાં આવશે તો દર માસે મહિલાઓને સન્માન રાશિ આપવાનું જણાવ્યું હતું. વીજળી, શિક્ષણ, હોસ્પિટલએ આપની સરકાર દેશના બે રાજ્યોમાં મફતમાં આપી રહી છે.
તેને ભાજપના લોકો રેવડી કહી રહ્યા છે પરંતુ 2014માં ભાજપ દ્વારા 15 લાખનો પાપડ્ આપ્યો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હાલ કોમામાં છે કોંગ્રેસીઓ ચૂંટાઈને પણ વેચાઈ જાય છે તમે તમારો મત બગાડતા નહીં અને ડબલ એન્જિન નહીં હવે નવા એન્જિનની સરકાર જોઈએ છે દિલ્હી, પંજાબ બાદ તા. 8 મીએ ગુજરાતમાં પણ આપની સરકાર હશે.