ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. બીટીપીના કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું છે.

વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.
કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.


.png)