ડાયમંડ એસોસિએસનની આરોગ્ય સમિતિ ઉત્રાણના રામચોક પાસે 350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું નિર્માણ કરશે. જે 11 માળની હશે અને 6 લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ હશે. આ હોસ્પિટલનો લાભ વરાછા, કતારગામ, સાયણ સહિતના દર્દીઓને મળશે.
ડોક્ટર-નર્સ સહિત 1000ને રોજગારી મળશે. ટૂંક સમયમાં ખાતમૂર્હત કરાશે. 450 બેડની સુવિધા સાથે હોસ્પિટલમાં હાર્ટ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સહિતની સારવાર મળશે. ભવિષ્યમાં નર્સિંગ-મેડિકલ કોલેજ પણ કેમ્પસમાં જ બનાવી શકાય તે રીતે બાંધકામ કરાશે. 100 સીટની કોલેજને મંજૂરી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં આ સુવિધા
વરાછા ચિકુવાડી ખાતેની ડાયમંડ હોસ્પિટલમાં 150 બેડની સુવિધા છે. હાર્ટને લગતી બિમારીઓ સિવાય તમામ પ્રકારની બિમારીની સારવાર આ હોસ્પિટલમાં કરવામાં આવે છે. રોજની એવરેજ 900 ઓપીડી હોય છે.
નોર્મલ ડિલિવરીનો માત્ર 1800 રૂપિયામાં અને સિજેરીયન ડિલેવરી માત્ર 5000 રૂપિયામાં કરી આપવામાં આવે છે. દિકરીનો જન્મ થાય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જ્યારે એક દિકરી કરતાં વધારે દિકરીનો જન્મ થાય તો 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.
નવી મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં હાર્ટ સહિતના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વગેરેની સારવાર મળી રહેશે. સાથે સાથે હોસ્પિટલમાં આધુનિક મશીનરી પણ લાવવામાં આવશે, જેથી સુરતના દર્દીઓને સારવાર કરાવવા માટે શહેરની બહાર જવું નહીં પડે.
રોજની 900થી વધુ ઓપીડી
‘વરાછામાં એક હોસ્પિટલ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેમાં રોજની 900 ઓપીડી છે. ત્યારે ઉત્રાણમાં વધુ એક હોસ્ટિપલનું નિર્માણ કરવામાં આવશે, જેમાં તમામ પ્રકારની બીમારીઓની સારવાર કરવામાં આવશે.’ > દિનેશ નાવડિયા, મંત્રી, ડાયમંડ હોસ્પિટલ
દર્દીને ઓછા ખર્ચે સારવાર અપાશે
‘ઉત્રાણ વિસ્તારમાં સુપર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નથી, આ વિસ્તારના દર્દીઓને ઓછામાં ઓછા ખર્ચે સારવાર મળી રહે તે માટે આ વિસ્તારમાં હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.’ > સી.પી વાનાણી, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન


.png)