ઉકાઈ ડેમની ઉપરવાસમાં પણ પાછોતરો વરસાદ નોંધાતા ડેમમાં સોમવારે 22,000થી 35,000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. સિંચાઇ વિભાગ દ્વારા હાઇડ્રો યુનિટ શરૂ રાખી નદીમાં દિવસ દરમિયાન સતત 22,000 ક્યુસેક જેટલું પાણી છોડવા માં આવ્યું હતું.હાલમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ આકાશ વાદળછાયું જોવા મળે છે અને તાપી જિલ્લામાં પણ સોમવારે આકાશ વાદળછાયું રહ્યું હતું અને કોઈક સ્થળે વરસાદી ઝાપટાં નોંધાયા હતા.
હાલમાં વરસાદી સિઝન પૂર્ણ થયેલી છે પરંતુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ પાછોતરો હળવો વરસાદ નોંધાયો છે જેથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે. સોમવારે સવારે ડેમમાં 35652 ક્યુસેક પાણીની આવક હતી, જ્યારે હાઇડ્રો યુનિટ મારફત 22016 ક્યુસેક પાણી નદી માં છોડવા માં આવતું હતું અને દિવસ દરમિયાન સતત આટલાં જ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટી 345 ફૂટથી પણ ઉપર સુધી પાણીથી લબાલબ ભર્યો છે.
સોનગઢના ઉકાઈ ખાતે આવેલ તાપી નદી પરનો ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટી 345 ફૂટ પર ગત 2 જી ઓક્ટોબરના દિવસે જ પહોંચી ગયો હતો. આમ તંત્ર દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરી લેવામાં આવે છે. સોમવારે સવારે ઉકાઈ ડેમની જળ સપાટી 345.20 ફૂટ હતી જે સાંજે છ કલાકે વધી ને 345.27 ફૂટ પર પહોંચી ગઈ હતી. ડેમમાં સાંજે છ કલાકે પાણીની આવક 22008 ક્યુસેક અને જાવક પણ 22008 ક્યુસેક જ રહી હતી.
.jpg)

.png)