હાલમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે • હોસ્પિટલમાં મહિને 40 હજારથી વધારે OPD
• 950 બેડ સાથે રાજ્યની સૌથી મોટી ટ્રસ્ટ હોસ્પિટલ
• હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સ સેવાથી દર્દીનું અમૂલ્ય જીવન બચાવી શકાશે
• 'કિરણ' હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સ સુવિધા ધરાવતી રાજ્યની પ્રથમ અને દેશની બીજી હોસ્પિટલ બનશે.
સુરતમાં સમસ્ત પાટીદાર આરોગ્ય સમાજ ટ્રસ્ટ સંચાલિત શહેરની કિરણ હોસ્પિટલ હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા સાથેની રાજ્યની પ્રથમ અને દેશની બીજી હોસ્પિટલ બનશે. વર્ષ 2023થી કિરણ હોસ્પિટલ ખાતે હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.
એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી શકાય તે રીતે પહેલેથી જ કિરણ હોસ્પિટલ દ્વારા સ્ટ્રક્ચરનું નિર્માણ કરાયું હતું. કેન્દ્રના એવિએશન વિભાગની ટીમે જરૂરી આનુસંગીક સુવિધા ઊભી કરવા માટે સજેશન આપ્યા હતાં. હવે હોસ્પિટલ કેટલાક જરૂરી સુધારા-વધારા કરશે અને વર્ષ 2023માં સેવાની પરવાનગી મળી જશે. આ સુવિધા ઊભી થવાને કારણે સુરતમાં મેડિકલ ટૂરિઝમમાં પણ વધારો થશે.
કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ કહ્યું કે, 'દેશના એવિએશન વિભાગના જણાવ્યા અનુસાર, આ સેવા શરૂ થવાથી કિરણ હોસ્પિટલ દેશની બીજી અને રાજ્યની પ્રથમ હોસ્પિટલ બની જશે. દર્દીઓને ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળે અને અમૂલ્ય જીવન બચાવી શકાય તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ સતત પ્રયાસ કરી રહી છે.'
આ હોસ્પિટલની શરૂઆત 550 બેડથી કરવામાં આવી હતી. હાલમાં 950થી વધારે બેડ સાથે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં તે રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ બની ગઈ છે. દર્દીઓને સમયસર-આધુનિક સારવાર આપી શકાય તે માટે કિરણ હોસ્પિટલની મેનેજમેન્ટ સતત આધુનિક ઈક્વિપમેન્ટ સહિતનો ઉમેરો કરી રહી છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સહિતના ઓપરેશન માટે દર્દીઓએ બહાર જવું પડતું હતું જે હવે અહીં મળી રહે છે. હાર્ટથી લઈને તમામ પ્રકારની બીમારીઓની સારવાર કિરણ હોસ્પિટલમાં થઈ રહી છે. મહિને 40 હજારથી વધારે ઓપીડી નોંધાય છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી તો દર્દીઓ સારવાર લેવા આવી જ રહ્યા છે, પરંતુ વિદેશમાંથી પણ દર્દીઓ કિરણ સહિતની હોસ્પટિલોમાં આવી રહ્યા છે.'
મેનેજમેન્ટે હોસ્પિટલ પર હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ લેન્ડ-ટેકઓફ કરી શકે તે માટે અગાઉતી જ સુવિધા તૈયાર કરી દીધી હતી. હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થાય તે માટે પરવાનગી આપવા હોસ્પિટલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનમાં રજૂઆત કરી હતી, જેથી ટેક્નિકલ ટીમ ઈન્સ્પેક્શન માટે આવી હતી. 6ઠ્ઠીએ ઈન્સ્પેક્શન પૂર્ણ કરી ટીમે કેટલાક સુધારા વધારા સૂચવ્યા છે. જે ટૂંક સમયમાં પૂર્ણ કરી આ સેવા માટેની પરવાનગી મેળવી લેવાશે.



.png)