તાપી જિલ્લાને “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય” પારિતોષકનું ગૌરવ અપાવનાર ચિમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપકુમાર રમણભાઈ ચૌધરીનું અમદાવાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શાલ ઓઢાડી અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.
રાજ્યપાલે શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન વેળાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અદ્યાપક જલતા હુઆ ચિરાગ હૈ, કાશ વો અપને આપકો પહેચાને, શિક્ષક પ્રકાશ કી જ્યોત હૈ વો નઈ જ્યોત પ્રજવલિત કરતા હૈ. માનવીના નિર્માણમાં સૌથી કઠીન ભૂમિકા શિક્ષક અદા કરે છે. વધુમાં મૂલ્ય શિક્ષણથી બાળકને આત્મનિર્ભર બનાવી સ્વદેશી અપનાવી ભારતને વિશ્વગુરૂ બનાવવા સૌ શિક્ષકોને રાજ્યપાલે આહવાન કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષા આપણે જીવીએ ત્યાં સુધી ચાલે છે. ભગવાન સુધી પહોંચવા માટે પણ ગુરૂની જરૂર પડે છે. ગુરૂ બધી સમસ્યાનું નિરાકરણ લાવે છે. કંકરમાંથી શંકર બનાવવા એ શિક્ષણની તાકાત છે.


