સંઘપ્રદેશ દાદરાનગર હવેલી (Dadra Nagar Haveli)ની જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે સામૂહિક રીતે પક્ષ પલટો કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જિલ્લા પંચાયતમાં સ્વર્ગસ્થ મોહન ડેલકર (Mohan Delkar)ના સમર્થકો અને જેડીયું (JDU) વચ્ચેના ગઠબંધનની બોડી સત્તા પર હતી, આ બોડીના ચૂંટાયેલા 17માંથી 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયતની 20 બેઠકો પૈકી ભાજપ પાસે માત્ર 3 બેઠકો હતી, પરંતુ પક્ષ પલટા બાદ હવે ભાજપ પાસે 18 બેઠકો થતા ભાજપ સત્તા પર આવ્યુ છે. પક્ષ પલટો કરનારા જેડીયુ ગઠબંધનના સભ્યોએ કલેક્ટરને મળી લેખિતમાં જાણ કરી છે. ત્યારે ફરી એકવાર સંઘપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં સત્તા પલટો
ગઠબંધનથી સત્તા પર આવેલી બોડીએ સામૂહિક રીતે પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં પલટો આવ્યો છે. આ સાથે હાલ તો 20 બેઠકોની જિલ્લા પંચાયતમાં ભાજપ બહુમતીમાં આવી ગઈ છે. ભાજપના સભ્યોનું સંખ્યાબળ વધીને હવે 18 થઈ ગયુ છે. આપને જણાવી દઈએ કે દિવંગત સાંસદ મોહન ડેલકર દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી 7 વાર સાંસદ રહી ચુક્યા છે. એક સમયે મોહન ડેલકર ભાજપમાં પણ રહી ચુક્યા છે. જો કે તેમના અવસાન પહેલાની ચૂંટણી તેઓ અપક્ષ લડ્યા હતા અને જીત્યા પણ હતા. મોહન ડેલકરે ભારતીય નવશક્તિ પાર્ટી નામથી પોતાનો અલગ પક્ષ બનાવ્યો હતો. આ બેઠક પર મોહન ડેલકરનો પહેલેથી જ દબદબો રહ્યો છે અને એટલે જ અહીથી તેઓ સતત સાત વાર ચૂંટાઈ આવ્યા છે. હાલ તેમના પત્ની કલા ડેલકર સાંસદ છે.
હાલ ભાજપના પ્રફુલ પટેલ છે દાદરા નગર હવેલીના પ્રશાસક
આપને જણાવી દઈએ કે વર્તમાનમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ છે. પ્રફુલ પટેલ એક સમયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે પૂર્વ સાંસદ મોહન ડેલકર અને પ્રફુલ પટેલ એકબીજાના ઘુર રાજકીય વિરોધી હતા. મોહન ડેલકરના અવસાન બાદ તેમની ખાલી પડેલી દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પરથી તેમના પત્ની કલા ડેલકર શિવસેના તરફથી પેટા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર મહેશ ગાવીને જંગી મતોથી હરાવ્યા હતા. ત્યારે હાલ જિલ્લા પંચાયતમાં ડેલકર સમર્થકો અને જેડીયુ સમર્થકો ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
.jpg)
