મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધી સહમત ન થતાં કૉંગ્રેસ-અધ્યક્ષ પદ માટે નોમિનેશનની સાથે મુખ્યમંત્રી પદ છોડવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું હતું કે પ્રમુખપદ એક વ્યક્તિ-એક પદના દાયરામાં નથી આવતું, પરંતુ ઈતિહાસમાં કોઈ કોંગ્રેસ-અધ્યક્ષ મુખ્યમંત્રી નથી બન્યા, તેથી નિર્ણય લેવો પડશે.
કેરળમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવાના સવાલ અંગે કહ્યું હતું કે હું મારા સ્ટેન્ડ પર અડગ છું. રાહુલ પહેલાં પણ બિન-ગાંધીને પ્રમુખ બનાવવાની વાત કરી ચૂક્યા છે. અમે ઉદયપુરમાં એક વ્યક્તિ-એક પદ પર જે નિર્ણય લીધો છે એ ચાલુ રહેશે. રાહુલ ગાંધીના નિવેદનથી એ પણ સ્પષ્ટ છે કે ગેહલોત અધ્યક્ષ બનશે તો તેમણે સીએમ પદ છોડવું પડશે.
ગેહલોતે એક નેશનલ ટીવી ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન પદ છોડવાના સંકેત આપ્યા છે. ગેહલોતે કહ્યું હતું કે 'રાહુલ ગાંધી સહમત ન થાય તો ફોર્મ ભરવું પડશે. મારા વિશે લાગણી છે, જેથી તેમને માન આપીને હું ફોર્મ ભરીશ.' પાયલોટને સીએમ બનાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે જે સ્થિતિ રાજસ્થાનની અંદર છે એનો હાઇકમાન સ્ટડી કરશે અને ધારાસભ્યોની લાગણીને પણ ધ્યાનમાં રખાશે. એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરીએ, કારણ કે કૉંગ્રેસની પાસે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન જ છે. અમારા માટે આ ખૂબ જ નાજુક નિર્ણય છે અને સમજીવિચારીને લેવો પડશે.
અધ્યક્ષ બે પદને ન્યાય નહીં આપી શકે
ગેહલોતે આગળ કહ્યું હતું કે ઇતિહાસમાં આજ સુધી કોઈ કૉંગ્રેસ-અધ્યક્ષ મુખ્યમંત્રી નથી બન્યો, એટલે સ્વાભાવિક છે કે જે પ્રશ્નો ઊઠી રહ્યા છે તેના આધારે જ અમે નિર્ણય લઈશું. મુખ્ય વિપક્ષની ભૂમિકામાં કૉંગ્રેસને રિવાઇવ કરવાનું કામ કરવાનું છે, પછી તમે બે પદ કઈ રીતે રાખી શકો છો. હવે સવાલ એ છે કે એક વ્યક્તિ-એક પદ લાગુ નહીં થાય, તોપણ અધ્યક્ષ બનનારને વિચારવું પડશે કે બે પદ કઈ રીતે રાખશે, તેઓ અધ્યક્ષપદને ન્યાય નહીં આપી શકે.
પાયલોટના નામ પર વાંધો ઉઠાવવાના સવાલ પર ગેહલોતે કહ્યું- 'હું ન તો કોઈના નામ પર ચર્ચા કરું છું અને ન તો કરી રહ્યો છું. અમારે જોવાનું છે કે કોણ આવે છે, જેથી સંદેશ જાય કે પાર્ટી એક છે અને આપણે કોઈપણ ભોગે સરકારને રિપીટ કરવી જોઈએ. આનાથી અન્ય રાજ્યોમાં પણ પાર્ટીનું રિવાઇવલ થશે. આ એક મોટો નિર્ણય હશે અને એને સાવધાનીથી લેવો પડશે.
કેરળમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા વિનંતી કરશે ગેહલોત
રાહુલ ગાંધીને મળવા માટે અશોક ગેહલોત કેરળ પહોંચ્યા છે. ગેહલોત રાહુલ ગાંધીને મળીને અંતિમ વખત તેમને અધ્યક્ષ બનવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધીની હા-ના પછી ગેહલોત નોમિનેશન કરવા માટે આગળ આવશે. કેરળના ચાલકુડીમાં ગેહલોત રાત્રિ રોકાણ કરશે અને શુક્રવારે ત્યાંથી શિરડી જશે. સાંઈબાબાનાં દર્શન કરી સ્થાનિક કાર્યક્રમમાં હાજર રહેશે. ગેહલોત શુક્રવાર સાંજે 6 વાગ્યે જયપુર જવા રવાના થશે.
રાહુલ ગાંધી કરી ચૂક્યા છે ઇનકાર
રાહુલ ગાંધી પહેલાંથી જ અધ્યક્ષ બનવાની ના પાડી ચૂક્યા છે. કોંગ્રેસ કોમ્યુનિકેશન સેલના ચીફ જયરામ રમેશે બુધવારે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધી 24થી 30 સપ્ટેમ્બરની ભારત જોડો યાત્રા દરમિયાન દિલ્હીની બહાર રહેશે. કોંગ્રેસ-અધ્યક્ષ પદ માટે નોમિનેશનની તારીખો પર રાહુલ ગાંધી દિલ્હીમાં હાજર નહીં રહે. મતલબ સ્પષ્ટ છે કે તેઓ પ્રમુખપદ માટે નોમિનેટ નહીં કરે. રાહુલના ઇનકાર છતાં અશોક ગેહલોત તેમને મનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હું છેલ્લી વખત રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરીશ.



.png)