
લાખ્ખો રૂપિયાના મનોરંજન માટેના મુકેલા સાધનો તૂટેલી હાલતમાં અને અંદર ઘાસચારો જોવા મળે. નગરજનો સહિત જિલ્લામાંથી લોકો મુલાકાતે ઉત્સાહ સાથે એક વખત પ્રવેશે ખરા, પરંતુ બંજરતા જોઈ, બળાપા કાઢતા બહાર નીકળતા હોય છે. નગરપાલિકાના શાસકોની નિષ્ક્રિયતા છતી થઈ છે. નગરજનો સહિત તાપી જિલ્લામાં હરવા ફરવાનું મહત્વનું સ્થળ જલવાટિકા ગાર્ડનની યોગ્ય જાળવણી કરાવી શકયા નથી. પરિણામે નગરજનોની સુવિધા વધારવાની જગ્યાએ, ઉપયોગી સુવિધા પણ ખંડેર બની છે.
ગાર્ડનમાં પ્રવેશ કરતાં જ ઠેર-ઠેર બેહાલીના દૃશ્યો દેખાઇ આવે છે
લોખંડના ગ્રીલ તૂટી ગઈ છે. થોડા અંતરે આગળ જતા બાળકોને રમવા માટે બનાવેલા રમતના સાધનો પાસે બે ફૂટ થી વધારે ઘાસ, બાળકોએ સાધનો પર રમવા ઘાસમાંથી ભય સાથે જવું પડે છે. રસ્તામાં આવતા વિવિધ રંગબેરંગી ફુવારાઓ અવ્યવસ્થાને કારણે ચાલુ થતા નથી.ઓપન થિયેટર પણ ખંડેર બની ગયું છે. સહેલાણીઓના બેસવા માટે બનાવેલા ગજીબો અને બાંકડાઓ પણ તૂટેલી હાલતમાં જોખમરૂપ બની ગયા છે.
રિનોવેશનની તાંતી જરૂર
બાગમાં બાળકો માટે રમવાના વિવિધ સાધનો, ઓપન થિયેટર અને રંગ બેરંગી ગજીબો તેમજ વિવિધ સ્થળોએ ફુવારાઓ ,બોટિંગ સહિતની સુવિધા હોવાથી જો બાગને રિનોવેટ કરવામાં આવે તો ફરવા માટેનું એક આકર્ષક સ્થળ છે.
બાગની હાલત દયનીય
જોકે ગાર્ડનની ખરાબ હાલત જોઈ બીજી વાર ગાર્ડનમાં આવી શકાય એમ નથી. પાલિકાએ આટલો સુંદર બાગની જાળવણી કરી શક્યા નથી. મનોરંજન માટે અમે આવ્યા, પરંતુ દુઃખ સાથે પરત ફરવું પડી રહ્યું છે. > ચેતનભાઇ, સહેલાણી
કામને મંજૂરી મળી છે
જળવાટિકામાં રીનોવશન માટે વિવિધ કામોની મંજૂરી મળી છે. હાલ સાફ સફાઈ સહિત ફુવારામાં વોટર પ્રૂફિંગનાં કામો ચાલુ કરી દેવાયા છે. - કાર્તિક દેસાઈ, એચઓડી, બાગ સમિતિ


.png)