ગુજરાતનો ગઢ તો ભાજપનો છે પણ આમા ગાબડુ પાડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે. જેવી રીતે અરવિંદ કેજરીવાલે ઉમેદવારોની યાદી બહાર પાડવાની સાથે ગેરન્ટીઓ આપી છે. એને જોતા ભાજપમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો હોય એમ લાગી રહ્યું છે. તેવામાં અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન પાર્ટીનો ગુજરાત ફતેહ કરવાનો પ્લાન જણાવી દીધો છે. ચલો આના પર વિગતે નજર ફેરવી.

ચૂંટણી જીતવાનો કેજરીવાલનો હટકે પ્લાન!
અરવિંદ કેજરીવાલે પોતાના ગુજરાત પ્રવાસમાં અચાનક ફેરફાર કરી દેતા આમ આદમી પાર્ટી અમદાવાદમાં એક્ટિવ થઈ ગઈ હતી. તેઓ રવિવારે રાત્રે જ અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા. તેવામાં આજે સોમવારે તેમણે વેપારીઓને સંબોધી તેમના માટે નવો પ્લાન છતો કરી દીધો છે. વળી આની સાથે અરવિંદ કેજરીવાલે આ વખતે ચૂંટણી કેવી રીતે જીતશે એનો પ્લાન પણ છતો કરી દીધો છે.
કેજરીવાલના BJP પર આકરા પ્રહારો
અરવિંદ કેજરીવાલે અત્યારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વેપારીઓથી લઈને મીડિયા વાળા ભયભીત છે. રાજ્ય સરકાર તેમના પર દબાણ કરી રહી છે. અત્યારે ફ્લાઈટમાં પણ મારી સાથે કોઈ ફોટો પડાવવા માગતું નહોતું. તો બીજી બાજૂ મીડિયાને પણ સ્વતંત્રતાથી લખવાની છૂટ મળી રહી નથી એમ લાગી રહ્યું છે.
તો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી રીતે જીતશે…
અરવિંદ કેજરીવાલ આની સાથે હવે પોતાના ચૂંટણી જીતવાના કેમ્પેઈન વિશે જણાવતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું કે હવે અમારી પાર્ટીને અલગ રીતે લોકો સુધી પહોંચવું પડશે. અમે લોકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચીશું અને અમારા કેમ્પેઈને સ્થાપિત કરી દઈશું. આનાથી જેમ બને એમ વધુ લોકો અમારી સાથે જોડાઈ શકે છે.
