સોનગઢના ડોસવાડા ગામે આવનાર કંપની વેદાંતા સામેનો વિરોધ દિન પ્રતિ દિન વધતો જાય છે. ત્યારે 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિન નિમિત્તે વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ડોસવાડાથી વ્યારા સુધીની 13 કિમી પદ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં લોકો જોડાયા હતાં. સોનગઢના ડોસવાડા ગામે જીઆઇડીસીમાં વેદાંતા કંપની દ્વારા ઝીંક કોપર બનાવવા ફેકટરી શરૂ કરવા બે વર્ષ પહેલાં સરકાર સાથે એમઓયુ કર્યો હતો. જો કે કંપની આવવાથી ફેકટરીની આસપાસની જમીન બંજર થશે અને નજીકના ગામના અને ડેમનું પાણી પ્રદૂષિત થશે એવી ભીતિ સાથે ડોસવાડા અને તેની આસપાસની ગ્રામ પંચાયતના લોકોએ મોટું આંદોલન શરૂ કર્યું હતું.
આ એકમની લોક સુનાવણી વખતે તોફાન થયા હતાં બાદમાં સુનાવણી મોકૂફ રહી હતી. તોફાન સંદર્ભે જે તે સમયે યુવકો સામે પોલીસ કેસ પણ દાખલ થયા હતાં. આ બનાવને લગભગ 14 માસ વીતી ગયા છે છતાં લોકોમાં વેદાંતા કંપની સામેનો વિરોધ યથાવત છે. મંગળવારે આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે વિવિધ સંગઠનના આગેવાનો અને ભાઈ બહેનો ડોસવાડા ભેગા થયા હતાં. તેઓ વેદાંતા સાથેનો સરકારે કરેલો એમઓયુ રદ કરો અને યુવકો સામે કરેલા પોલીસ કેસ પાછા ખેંચોની માગ સાથે ડોસવાડાથી અંદાજે 13 કિમી દૂર વ્યારા સુધીની પદયાત્રા કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. અંદાજિત 5000 લોકો પદયાત્રામાં જોડાઈ વ્યારા ભેગા થયા હતા.
વેદાંતાના વિરોધ સાથે અન્ય માંગણી પણ મુકવામાં આવી
આ માંગણી સાથે આહવા રોડ પર ચાંપાવાડી ગામે રેલવે ફાટક પર ફ્લાઈ ઓવરબ્રિજ બનાવવાની માંગણી બાબતે અને માંડલ ટોલનાકા પર સ્થાનિક લોકો પાસે લેવામાં આવતી ટોલ ફી બંધ કરવા અંગેની માંગ કરવામાં આવી હતી. ઉકાઈ નજીક બે ગામમાં ડ્રોન દ્વારા કરવામાં આવતી જમીનની સર્વેની કામગીરી, ઉકાઈ ડેમ વિસ્તાપિતો જમીન ગુમાવનાર બાકી રહેનાર ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપો તથા કપડબંધથી સોનગઢ સુધીના ફોર લેન હાઇવેની જમીન સંપાદનની કાર્યવાહી સામે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
7 આદિવાસી તાલુકાના સંગઠન જોડાયા
સમગ્ર કાર્યક્રમનું આયોજન આદિવાસી મહામંડળ ચેરીટેબલ ટ્રસ્ટ સોનગઢ સહયોગી લોક સંગઠનો - નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, માંડવી, ઉમરપાડા, માંગરોળ, વાંસદાએ કર્યું હતું.
આ સંગઠનોએ પણ સહકાર આપ્યો
હંગામી ટ્રસ્ટ, આદિવાસી એકતા પરિષદ, આદિવાસી વિકાસ, હંગામી ટ્રસ્ટ માંડળ, આદિવાસી એકતા અને વિકાસ આંદોલન, આદિવાસી યુવા ગ્રુપ વ્યારાએ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો.




