માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બનેલા નવા પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન નજીકના 10 જેટલા ગામોનો સમાવેશ કરાતા ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને 20થી 25 કિલોમીટર દૂર ફરિયાદ કરવા જવાની નોબત આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરી આ 10 ગામોનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ મુદ્દે સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે
માંગરોળ પોલીસ સ્ટેશનમાંથી વિભાજીત થયેલા ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ ચોકીને નવા પોલીસ સ્ટેશનના દરજ્જો મળ્યો છે જેનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં સમાવિષ્ટ આઠ જેટલા ગામો ને ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં જોડી દેવામાં આવ્યા છે લોકોને વિશ્વાસમાં લીધા વિના તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. વાંકલ આઉટ પોસ્ટમાં સમાવિષ્ટ નાંંદોલા અને નાની ફળી ગામ વાંકલથી માત્ર એક કિલોમીટર દૂરના અંતરે આવેલા છે.
પહેલા ઘર આંગણે ન્યાય મળતો હતો પરંતુ હવે આ ગામના લોકોને પોતાની ફરિયાદ માટે ઝંખવાવ 20 કિલો મીટરનો ફેરો લગાવો પડે છે તેમજ ભડકુવા લવેટ રટોટી સહિતના ગામોના લોકોને માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદનું નિરાકરણ આવતું હતું પરંતુ હવે તેમણે 25 કિલો મીટર દૂર ઝંખવાવ ગામે ફરિયાદ કરવા જવું પડી રહ્યું છે. જેને કારણે ભાડા ભથ્થા અને સમય બગડી રહ્યો છે જેથી નાના માણસો સ્થાનિક આગેવાનોને આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે જેથી સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા લોકહિતમાં લોકોને નજીકમાં ન્યાય મળે તે માટે માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ને રજૂઆત કરવામાં આવી છે.
આ ગામોને પુન: વાંકલ આઉટ પોસ્ટમાં જોડવાની માગ
વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં જોડવામાં આવેલા લવેટ, ભડકુવા, રટોટી, નાની ફળી, ઓગણીસા, સણધરા, નાંદોલા, મોટીફળી સહિતના આઠ ગામો તેમજ વ્યવહારિક રીતે વાંકલ ગામ સાથે જોડાયેલા અને વાંકલ આઉટ પોસ્ટથી ખૂબ જ નજીક આવેલા બોરીયા અને ઝરણી ગામને પણ વાંકલ આઉટ પોસ્ટમાં જોડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.



.png)