ગુજરાત અત્યારે ડ્રગ્સના વિસ્ફોટ પર બેઠું છે.. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં કુલ 803 કિલો એટલે કે પોણા ટનથી પણ વધુ MD ડ્રગ્સ ઝડપાયું છે. આમાંથી અડધો ટન જેટલો (513 કિલો) જથ્થો તો મુંબઈની એન્ટિ-નાર્કોટિક્સ સેલ આવીને ભરુચની પાનોલી GIDCની કંપનીમાંથી પકડી ગઈ છે. જ્યારે ગુજરાત પોલીસે પાનોલીની એ જ કંપનીમાંથી મંગળવારે વધુ 90 કિલો MD ડ્રગ્સ પકડ્યું છે. હવે ગુજરાત ATSએ વડોદરા નજીક સાવલીની ફેક્ટરીમાંથી મંગળવારે 200 કિલો MD ડ્રગ્સ પકડ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાત પોલીસના નાક નીચે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનો ધંધો ચાલતો હતો અને બહારના રાજ્યની પોલીસ દરોડો પાડી ગઈ.
13મીએ મુંબઈ નાર્કોટિક્સ સેલે 513 કિલો ડ્રગ્સ પકડ્યું
ભરુચની પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કંપનીમાં 13 ઓગસ્ટે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેડ કરી હતી. આ દરોડામાં એજન્સીએ અંદાજીત 513 કિલો MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આજે મંગળવારના રોજ ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા ચકચાર મચી ગઇ છે. મુંબઈની ટીમે જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રુ. 1,026 કરોડ થાય છે. ટીમે સ્થળ ઉપરથી એક મહિલા સહિત 7 આરોપીની અટકાયત કરી છે.
ભરૂચ SOGએ એ જ કંપનીમાંથી વધુ 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા SOGની ટીમે મંગળવારે પુનઃ પાનોલી GIDC સ્થિત ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરી હતી. આ વખતે કંપનીમાંથી SOGની ટીમે અંદાજીત 90 કિલો MD ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત રુ. 80થી 100 કરોડ જેટલી થાય છે. આમ, એક જ સ્થળેથી બે દિવસમાં બે અલગ-અલગ રાજ્યની એજન્સીએ ડ્રગ્સનો કુલ 600 કિલોથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે.
વડોદરામાંથી ATSએ 1000 કરોડનું 200 કિલો ડ્રગ્સ પકડ્યું
ભરૂચ બાદ વડોદરાના સાવલીમાં એક ફેક્ટરીમાં ગુજરાત ATSએ રેડ કરીને 200 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રુ. 1000 કરોડ જેટલી કિંમત થાય છે. ATSએ સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે. ATSની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ગુજરાત ATS દ્વારા વડોદરાના મોકસી ગામની કંપનીમાંથી 13 જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરીને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું.



.png)