ગુજરાતના છેવાડે આવેલ તાપી જિલ્લો આત્મનિર્ભર બનવામાં ક્યાંય પાછળ નથી રહ્યો. જેનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડતી તાપી જિલ્લાની સખી મંડળની બહેનો છે. આજે ઘર હોય કે ખેતી તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે. મહિલાઓ પુરુષના ખભે ખભા મેળવી કામ કરી શકે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અડિખમ રહેતી હોય છે, જેનો લાભ લઈ તાપી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી મંડળના પ્રમુખ જયશ્રીબેન ચૌધરી જણાવે છે કે, અમે નારિયેળના રેસા માંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ. આ મૂર્તિ બનવાનો ઉદ્દેશય એ જ છે કે, ઓછા પાણીમાં વિસર્જન થાય અને પ્રદૂષણ પણ ન ફેલાય.
જયશ્રીબેન વધુમાં ઉમેરે છે કે, ગયા વર્ષે અમે જયારે કામ શરૂ કર્યું ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા અમારા બોરખડી ગામની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમણે મારાં ઘરની પરિસ્થિતિ જોય અને એમણે જોયું કે અમને ઘણી બધી તકલીફો પડી રહી હતી. અમને મૂર્તિ વેચવા માટે પૂરતી જગ્યા પણ ન હતી. બધુ જોયા પછી તેમણે આ બાબતે ચર્ચા કરીને અમને વન વિભાગ તરફથી સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેથી કરીને અમને મૂર્તિ વેચાણ માટે જગ્યા અને કામગીરી કરવા માટે પણ પૂરતી જગ્યા મળી રહી છે. હવે અમે સારી રીતે કામ કરી શકીએ છીએ અને મૂર્તિઓનું વેચાણ પણ કરી શકીએ છીએ. આવતા વર્ષે એના કરતા પર સારુ કામ કરી શકીશુ. અમને આટલી બધી સાગવાડો પુરી પાડવામાં આવી તે બદલ અમે જિલ્લા વિકાસ અધિકારી ડી ડી કાપડિયા, વન સંરક્ષક અધિકારી આનંદ કુમાર અને હું મારાં સખીમંડળના તમામ બહેનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને આજે પગભર બનાવવામાં મદદરૂપ બન્યા છે.
તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કાર્યરત નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (મિશન મંગલમ)ના સહયોગથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વેચાણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સખી મંડળના બહેનોએ બનાવેલી નારિયેળના રેસા માંથી ઇકોફ્રેન્ડલી ગણપતિ અને વિવિધ સુશોભનની વસ્તુઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરી લોકોમાં અનોખી પ્રેરણા જગાડી રહી છે.



.png)