નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી રામગઢને જોડતા માર્ગ પર આવેલાં પુલ પર 20 ફુટ મોટું ગાબડું પડી જતાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ કેટલો તકલાદી બન્યો છે તેનો આપણને અંદાજ આવી શકે છે. કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીથી નદીના જળસ્તર વધી જતાં પુલનું ધોવાણ થયું છે. બે વર્ષ પહેલાં બનેલો બ્રિજ હાલ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી 10થી વધારે ગામના લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે.
બે વર્ષ પહેલાં કરોડોના ખર્ચથી બ્રિજ બનાવવામાં આવ્યો હતો
રાજપીપળા અને રામગઢ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચથી બ્રિજ બનાવવામાં આવ્યો હતો.પણ માત્ર બે વર્ષમાં જ બ્રિજ ખખડધજ બની ગયો છે. બ્રિજ બનાવતી કંપનીએ વેઠ ઉતારી હોય તેમ સ્પષ્ટ લાગી રહયું છે. થોડા દિવસો પહેલાં કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કરજણ નદીનો પ્રવાહ વધી ગયો જતાં બ્રિજના પિલરને નુકશાન થયું હતું. બ્રિજનું તકલાદી બાંધકામ નદીનો પ્રવાહ ન સહન કરી શકતાં હવે તો બ્રિજની વચ્ચે 20 ફુટનું ગાબડું પડી ગયું છે.
તંત્રએ કોન્ટ્રાકટર સામે પગલાં નથી લીધા: ગામ લોકો
એક વર્ષ પહેલાં પણ બ્રિજનું ધોવાણ થયું હતું ત્યારે તંત્રએ કોન્ટ્રાકટર સામે પગલાં લીધા ન હોવાનું ગામ લોકો જણાવી રહયાં છે. પુલમાં ગાબડું પડતા રામગઢ થી રાજપીપળા આવતા જતા 400 થી 500 જેટલાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે. ભર ચોમાસે જ આઠ થી દસ ગામના લોકોનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનોને ફેરો ફરીને રાજપીપળા આવવું પડે છે.



.png)