ગુજરાત કોંગ્રેસમાં એવો કયો વિવાદ છે જેના કારણે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી દે છે?
જયરાજસિંહથી માંડીને હાર્દિક પટેલ સુધીના નેતાઓએ કોંગ્રેસ છોડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તેના મનોમંથન માટે ગઈકાલે દિલ્હીમાં ગુજરાતના પ્રભારી સહિત પ્રદેશ નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. ડો. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશના નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. હવે હાઈકમાન્ડ કોંગ્રેસમાં ઉભા થયેલા જૂથવાદ અને નારાજગીને લઈ પ્રભારી રઘુ શર્માને તેમના પદ પરથી હટાવી શકે છે. તેમના સ્થાને કોને જવાબદારી સોંપવી તેનું પણ મંથન થઈ રહ્યું છે. હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જૂથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.
દિલ્હીમાં ગુજરાતના નેતાઓની મેરેથોન બેઠક
દિલ્હી ખાતે AICCના મહામંત્રી પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુંગોપાલ, પી. ચિદમ્બરમ સહિતના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે મેરેથોન બેઠક ચાલી હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ અત્યાર સુધી થયેલી કામગીરીનો રિપોર્ટ હાઈકમાન્ડ સમક્ષ રજુ કર્યો હતો. બેઠક બાદ રઘુ શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડશે અને 2017ની જેમ 2022માં પણ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આ વખતે કોરોનામાં નિષ્ફળતા અને મોંઘવારી સહિત પેપરલીક જેવા મુદ્દાઓથી સરકારને ઘેરવાના કાર્યક્રમો થશે.
કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડ નારાજ
ડો. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ અને આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ સમગ્ર મામલે હાઈકમાન્ડ નારાજ થયો છે, જેથી ડો. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.
રઘુ શર્માએ પોતાના જ પક્ષના ધારાસભ્યોને કચરા સાથે સરખાવ્યા
રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી.સોમનાથમાં રઘુ શર્માએ યોજેલી પત્રકાર પરિષદમાં પોતાના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી નાખી હતી.રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે?પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો છે.
નવા પ્રભારી માટે હાઈકમાન્ડ મંથન કરશે
ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બાદ રાજસ્થાનના મંત્રી ડો. રઘુ શર્માને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ પ્રભારી બન્યા બાદ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડ ડો. રઘુ શર્માની કામગીરીથી નારાજ થયો હોવાનું ખુદ કોંગ્રેસનાં સૂત્રો જણાવી રહ્યાં છે. હવે હાઈકમાન્ડ રઘુ શર્માને હટાવીને તેમના સ્થાને મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશ સહિતના નામ પર નવા પ્રભારી માટેનું મંથન થઈ રહ્યું છે. મુકુલ વાસનીક AICCના જનરલ સેક્રેટરી પણ છે. જ્યારે હરિપ્રસાદ અને મોહન પ્રકાશ અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે.
કોંગ્રેસમાં સિનિયર ઓબ્ઝર્વરની નિમણૂક થઈ શકે છે
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડ ગુજરાતમાં સિનિયર ઓબ્ઝર્વરની નિમણૂક કરે એવી પણ શક્યતા છે. આ સિવાય કોંગ્રેસ શાસિત રાજ્યોના મંત્રીઓને પણ ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવશે. આ અગાઉ પણ કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારના મંત્રીઓને પણ જવાબદારી સુપરત કરાઈ હતી. એ ઉપરાંત આગામી સમયમાં વિવિધ ચૂંટણીલક્ષી કમિટીઓની પણ રચના કરવામાં આવશે, જેમાં જૂના જોગીઓની જગ્યાએ નવા નેતાઓને સ્થાન મળે એવી કાર્યકરોએ પણ માગ કરી છે.


