ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે ગુરુવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી આવાસે મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા અંગેની ચર્ચા થઈ શકે છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આવતીકાલે મુખ્યમંત્રી આવાસે પાટીદાર અગ્રણીઓની બેઠક છે.
જો કે મુખ્યમંત્રી કાર્યાલયનું કહેવું છે કે, આ માત્ર એક શુભેચ્છા મુલાકાત છે. થોડા સમય પહેલા અમદાવાદના ઉમિયા ધામ ખાતે સમાજના આગેવાનોની બેઠક મળી હતી. એ સમયે તમામ મુખ્યમંત્રીએ તમામ અગ્રણીઓને પોતાના આવાસ ઉપર મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. જેના ભાગરુપે મુખ્યમંત્રી અને પાટીદાર અગ્રણીઓ મળી રહ્યાં છે.
જો કે મળતી માહિતી મુજબ, બિન અનામત આયોગની કામગીરી તેમજ તેના ફંડ વપરાતું ના હોવાની રજૂઆત કરવામાં આવશે. આ સાથે જ પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે પોલીસ કેસ થયેલા છે, તે કેસો પરત ખેંચવા અંગે પણ રજૂઆત કરવામાં આવશે.


