રાજ્યભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે. આ અન્વયે તાપી જિલ્લામાં ઉજવણીના સુચારૂ આયોજન માટે આજરોજ તાપી કલેક્ટર કચેરીના સભાખંડ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતીમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનાં આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે અમલીકરણ અધિકારીઓને જરૂરી રચનાત્મક સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તથા દરેક ગ્રામ પંચાયત, દૂધ મંડળી, નગર પાલીકાના વોર્ડ મુજબ સ્ટોલ ખાતેથી નિયત તિરંગાનું વેચાણ થાય ત્યાંથી ખરીદી કરી તિરંગા પોતાના સ્થળે લહેરાવવા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી કલેકટર એચ.કે.વઢવાણિયાએ ખાસ જણાવ્યું હતું કે, ‘‘હર ઘર તિરંગા’’એ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વની ભાવના વધુ પ્રબળ બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંતર્ગત જિલ્લાના તમામ ઘર, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો વગેરે તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. જેના માટે જે-તે સંસ્થાઓ, તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને દ્વારા તિરંગો ખરીદી તેને વિવિધ સ્થળોએ લહેરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી જિલ્લાના ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા ફરકાવવાનું આયોજન તમામ નાગરિકો દ્વારા દેશભક્તિની ભાવના સાથે સુનિશ્ચિત કરવા તમામ સંબંધિત અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની બેઠકમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, ડીવાયએસપી ચંદ્રસિંહ જાડેજા, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, ડીઆરડીએ ડાયરેક્ટર અશોક ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.




.png)