બાઇક લઇ ટોકરવા જવા નીકળેલા આમલગુડીના 2 યુવકોને દોણ ગામ પાસે અકસ્માત નડ્યો
સોનગઢ ઓટા સ્ટેટ હાઇવે પર દોણ ગામની સીમમાં મંગળવારે રાત્રીના સમયે કાર ચાલકે પૂરઝડપે હંકારી લાવી આગળ ચાલતી મોટરસાયકલને ધડાકા સાથે અથડાવતા મોટરસાયકલનો પાછળનો ભાગ કારના બોનેટમાં ઘુસી ગયો હતો. કારની જોરદાર ટક્કરમાં મોટરસાયકલ સવાર બે યુવકો ઉછળીને રોડની સાઈડમાં ફેંકાઈ ગયા હતા.
માથામાં ગંભીર ઇજા થવાથી બંનેના સ્થળ પર જ મોત થયા હતા. આમલગુડીના બંને યુવકો સોનગઢમાં કામ માટે જતા રસ્તામાં જ મોત ભેટી ગયું હતું. સોનગઢ તાલુકાના આમલગુંડી ગામે રહેતાં રમેશભાઈ ભીલિયા ભાઈ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે પોતાના ઘર વપરાશ માટે બાઈક નંબર GJ-26-J-9896 વસાવેલ છે.
મંગળવારે રાત્રીના સમયે તેમનો પુત્ર વિજયભાઈ રમેશભાઈ ગામીત (27) અને તેનો મિત્ર દીપકભાઈ જમાભાઈ ગામીત (બંને રહે.આમલગુંડી, તા. સોનગઢ) કામ અર્થે ટોકરવા-સોનગઢ જવા નીકળ્યા હતાં. રાત્રીના 9 કલાકે બાઈક ઓટા રોડ પર આવેલા દોણ ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી આવતી કાર નંબર GJ-05-JP-0690 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવીને આગળ ચાલતી વિજયભાઈ ગામીતની મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સમયે કાર એટલી પૂરઝડપે હતી, કે બાઈકનો પાછળનો ભાગ કારના બોનેટમાં ઘુસી ગયો હતો. અને થોડે દૂર સુધી ઘસડાઈ હતી. અકસ્માતમાં ક બાઈક સવાર વિજયભાઈ અને દીપકભાઈ રોડની સાઈડ પર ફેંકાઈ ગયા હતાં, અને બંનેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યાં હતાં, અને તેમણે 108 ને અકસ્માત અંગે જાણ કરી હતી.
જો કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજય ભાઈ રમેશભાઈ ગામીત અને દીપક ભાઈ જમાભાઈ ગામીતને કોઈ સારવાર મળે એ પહેલાં જ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ અંગે સોનગઢ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, બંને યુવકોના મૃતદેહ પી એમ કરવા અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડ્યા હતાં. સોનગઢ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
અકસ્માત સર્જનાર કારનો ચાલક કોન્ટ્રાકટર હોવાનું ખુલ્યું
અકસ્માત નોતરનારો કાર ચાલક વ્યવસાયે કોન્ટ્રાકટર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેનું કામ ડાંગ જિલ્લાના સુબિર ખાતે ચાલી રહ્યું છે. તે મોડી સાંજે કાર લઈ સુબિર થી સોનગઢ તરફ આવી રહ્યો હતો. ત્યારે દોણ ગામની સીમમાં કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલતી એક બાઈકને ઉડાવી હતી. જેમાં બે યુવકોને કાળ સદને પહોંચાડી દીધા હતાં.
ગત જુને પણ અકસ્માત થયો હતો
સોનગઢથી ઓટા સુધીનો સ્ટેટ હાઇવે ડુંગરાળ વિસ્તારમાં થઈ પસાર થાય છે અને ઘણાં ઠેકાણે ભયજનક વળાંક પણ આવેલા હોય, અવારનવાર અકસ્માતના બનાવો નોંધાઇ રહ્યાં છે. ગત જૂન માસમાં પણ સાદડુન ગામ પાસે બે બાઈક સામસામે અથડાતાં બંને યુવકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતાં.


.png)