અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘનજી ઠાકોરે આજે વાવના ઢીમાંમાં આવેલા ભગવાન ધરણીધરના દર્શન કરી ગુજરાતમાં 2022માં ઠાકોર સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી વિજય યાત્રાની શરૂઆત કરી છે.
ગુજરાતમાં વર્ષ 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓની સાથે-સાથે અનેક સમાજના સંગઠનો પણ ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આજે વાવના ઢીમા ખાતેથી ક્ષત્રિય વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ સાથે તેમણે 2022માં ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રીની માંગ કરી છે. આ યાત્રા દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા.
આગામી મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઈએઃ ઠાકોર સમાજની માંગ
અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘનજી ઠાકોરે આજે વાવના ઢીમાંમાં આવેલા ભગવાન ધરણીધરના દર્શન કરી ગુજરાતમાં 2022માં ઠાકોર સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી વિજય યાત્રાની શરૂઆત કરી છે. નવઘનજીએ ઢીમાં મંદિરમાં સંકલ્પ કર્યો કે જો ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે તો તેવો ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમાં ભગવાનના દર્શન કરવા આવશે. જોકે વિજય યાત્રાની સભામાં નવઘનજીએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ.
અમારા સમાજના લોકોને પોલીસ સામાન્ય બાબતમાં દંડ આપે છે. અમારા સમાજનો કોઈ મંત્રી કે કેન્દ્રમાં મંત્રી નથી. કોઈ બાહુબલી નથી જો ઠાકોર મુખ્યમંત્રી બનશે તો કોઈ ઠાકોરના છોકરાને કોઈ વાહન દંડ આપશે નહિ તેમજ તમામ કામો થશે અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વાર માળા પહેરાવવાના છીએ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસો કરશે.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર યાત્રામાં જોડાયા
નવઘણજીની આ યાત્રામાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. જેને લઈને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તેવા આડકતરી રીતે ગેનીબેને પણ સંકતે આપ્યા હતા અને કહ્યું હતું કે આ સરકારમાં ગરીબ અને વંચિતોનું કોઈ સાંભળતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી સરકારમાં ઠાકોર, OBC, SC, ST સમાજનો વિકાસ થાય તે જરૂરી છે. તો બીજી તરફ અન્ય સમાજોએ પણ નવઘનજી ઠાકોરને સમર્થન આપ્યું હતું અને આ વખતે ગુજરાતમાં પરિવર્તન થાય તેવી વાત કરી હતી.

