સરહદપાર રોકાણ:ટેસ્લા, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું વાર્ષિક અંદાજે રૂ. 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ

0
એક વર્ષમાં ભારતથી અમેરિકન સ્ટોક્સમાં રોકાણ 63% વધ્યું
ગત વર્ષે ભારતમાંથી આશરે રૂ. 6000 કરોડનું રોકાણ થયું


શેરબજારમાં રોકાણના મામલે ગુજરાતીઓ હંમેશાં આગળ હોય છે અને ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓનું વર્ચસ્વ પણ જાણીતું છે. જોકે વાત અહીથી અટકતી નથી. ગુજરાતી રોકાણકારો અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ ઘણું રોકાણ કરી રહ્યા છે. બજારના જાણકારોના મતે ટેસ્લા, ફેસબુક, માઇક્રોસોફ્ટ, એપલ જેવી અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું વાર્ષિક અંદાજે રૂ. 1000-1200 કરોડનું રોકાણ થાય છે.

અમેરિકન સ્ટોક્સમાં રોકાણ 63% વધ્યું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશના સ્ટોક માર્કેટમાં રોકાણ કરી શકાય છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન અમેરિકન શેરબજારમાં ભારતમાંથી 747 મિલિયન ડોલર (અંદાજે રૂ. 6000 કરોડ)નું રોકાણ થયું છે. આગળના વર્ષના 472 મિલિયન ડોલર કરતાં આ ઇન્વેસ્ટમેન્ટ 63% વધારે છે. વીતેલા સાત વર્ષના આંકડા જોઈએ તો ભારતમાંથી અમેરિકન સ્ટોક્સ અને ડેટમાં રોકાણ 281% જેટલું વધ્યું છે. આ વર્ષે એપ્રિલ 2022માં 77 મિલિયન ડોલર (અંદાજે રૂ. 610 કરોડ)નું રોકાણ થયું છે.

ટેસ્લા, ફેસબુક, માઇક્રોસોફ્ટ, એપલ જેવી કંપનીઓમાં રોકાણ
અલંકિત લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અંકિત અગરવાલે જણાવ્યું હતું કે રિસ્કને ડાઈવર્ટ કરવા માટે લોકો અમેરિકન સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. આ ઉપરાંત કોરોનામાં લોકડાઉન હતું અને લોકો પાસે સમય વધારે હતો. એ દરમિયાન રોકાણકારોને દેશ બહાર રોકાણ કરવાના નવા રસ્તા સમજવાનો મોકો મળ્યો, જેના પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાંથી US ઇક્વિટી માર્કેટમાં રોકાણ ઘણું વધ્યું છે. મોટા ભાગે ફેસબુક, નેટફ્લિક્સ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા જેવી કંપનીઓમાં તેમજ ટેક કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ થઇ રહ્યું છે.

પશ્ચિમ અને દક્ષિણ ભારતથી વધુ રોકાણ થાય છે
અંકિત અગરવાલે કહ્યું હતું કે ભારતમાંથી અમેરિકન સ્ટોક માર્કેટમાં જે રોકાણ થાય છે એમાં પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોનો હિસ્સો મુખ્ય છે. એવી જ રીતે દક્ષિણનાં રાજ્યો કર્ણાટક અને તામિલનાડુમાંથી પણ સારું રોકાણ આવે છે. હાલના થોડા સમયથી ઉત્તર ભારતમાંથી પણ રોકાણ વધતું જોવા મળ્યું છે. અમેરિકન માર્કેટમાં વિદેશી રોકાણકારો IPOમાં રોકાણ કરી શકતા નથી, પણ લિસ્ટિંગ બાદ જે-તે કંપનીઓના શેર્સમાં રોકાણ થઇ શકે છે.

મોંઘા શેર્સનો નાનકડો હિસ્સો ખરીદી શકાય છે
વેસ્ટેડ ફાઇનાન્સના કો-ફાઉન્ડર વિરમ શાહે જણાવ્યું હતું કે છેલ્લાં 2-3 વર્ષથી ફોરેન સ્ટોક માર્કેટમાં અથવા સ્ટોક્સમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. પહેલાં થોડું અઘરું હતું, પણ ટેકનોલોજીના ઇન્વોલ્વમેન્ટ અને નિયમો થોડા હળવા થવાથી હવે વિદેશમાં શેર્સ ખરીદવા સરળ બન્યા છે. આ ઉપરાંત ભારતમાં કોઈપણ કંપનીનો આખો શેર ખરીદવો પડે છે, પણ અમેરિકામાં ફ્રેક્શનલ શેર ટ્રેડિંગ એટલે કે મોંઘા શેર્સનો નાનકડો હિસ્સો ખરીદી શકાય છે. આને કારણે નાના ઇન્વેસ્ટમેન્ટમાં પણ મોટી કંપનીનો અને મોંઘો શેર ખરીદી શકાય છે. અત્યારે LRS હેઠળ વિદેશના સ્ટોક્સમાં વધારેમાં વધારે 2.5 લાખ ડોલર (અંદાજે રૂ. 2 કરોડ) જેટલું રોકાણ થઈ શકે છે.

વર્ષે આશરે રૂ. 30,000 કરોડનું ટ્રેડિંગ થાય છે
વિરમ શાહે કહ્યું હતું કે ઈન્વેસ્ટર્સનો પ્રકાર જોઈએ તો મોટી મોટી કંપનીઓના ટોચના ઑફિશિયલ્સ, CEO, સેલિબ્રિટી, ક્રિકેટર્સ, એક્ટર્સ વગેરે લોકો ફોરેન ઇક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે. વર્ષ દરમિયાનના ટ્રેડિંગ વોલ્યુમની વાત કરીએ તો US સ્ટોક માર્કેટમાં ભારતીયોનું ખરીદ અને વેચાણનું વોલ્યુમ આશરે રૂ. 30,000 કરોડ જેટલું થઈ જાય છે. અમારા પ્લેટફોર્મ પરથી ગત વર્ષે અંદાજે રૂ. 15,000 કરોડનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું. ગુજરાત ઉપરાંત દેશના મુંબઈ, દિલ્હી, બેંગલુરુ જેવાં મેટ્રો શહેરોમાંથી US સ્ટોક માર્કેટમાં રોકાણનો પ્રવાહ વધારે જોવા મળે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top