- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આગામી ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે
- 'NAMO એરપોર્ટ'ના અદ્યતન નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે
- લક્ષદ્વીપ માટે અંદાજે ₹885 કરોડના ચાર મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, શુક્રવારે ગુજરાત અને દમણની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન સુરત, દમણ અને લક્ષદ્વીપના સર્વાંગી વિકાસને વેગ મળે તે માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા પરિવહન, શહેરી સુવિધાઓ, પર્યટન અને કનેક્ટિવિટી ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. આ મુલાકાતને વિકાસલક્ષી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આગામી ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. સુરત ખાતે તેઓ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અમલમાં રહેલા અને પૂર્ણ થયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લઈ તેમની પ્રગતિની સમીક્ષા કરશે. આ દરમિયાન વડાપ્રધાન સુરતના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા અંદાજે ₹18,800 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટો પરિવહન, શહેરી માળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ અને જનસુવિધાઓના વિકાસને પ્રોત્સાહન આપશે, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
પીએમ મોદી બપોરે 2:30 વાગ્યે સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે, અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
રૂ.18,800 કરોડના પ્રોજેક્ટ:
વડાપ્રધાન સાંજે 4 વાગ્યે સુરતમાં અંદાજિત રૂપિયા 18,800 કરોડના વિવિધ રોડ, પાવર અને ઔધોગિક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. તેમજ જનસભાના સંબોધન કરશે.
PM મોદી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ VI અને VII રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને આદિવાસી વિસ્તાર સુધીની પહોંચ સરળ બનાવવા NH-56 ના કેટલાક ભાગોના ફોર-લેનિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.
આરોગ્ય સુવિધા
તેમજ સુરતમાં આધુનિક તબીબી સેવાઓ પૂરી પાડતી 200 બેડની નવીન ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. તેમજ 24/7 ઈમરજન્સી અને ટ્રોમા કેરની સુવિધા હશે.
અન્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, વલસાડમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન અપગ્રેડ, દહેજ અને સરીગામ GIDC માં એડવાન્સ એફ્લુઅન્ટ ડિસ્પોઝલ અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં જરૂરી યુટિલિટીઝનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
દમણમાં 'NAMO' એરપોર્ટ-હોસ્પિટલનું ઉદ્ઘાટન
સુરતમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણની મુલાકાત લેશે. દમણમાં તેઓ સાંજે 6:15 વાગ્યે પ્રાદેશિક હવાઈ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી 'NAMO એરપોર્ટ'ના અદ્યતન નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ નવા ટર્મિનલથી પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં વધારો થવાની સાથે પ્રદેશની એર કનેક્ટિવિટીને પણ નવી ગતિ મળશે. ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે દરરોજ આશરે 1,500 દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા ધરાવતી 'NAMO હોસ્પિટલ'નું પણ રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જે દમણ અને આસપાસના વિસ્તારોના લોકોને આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સાંજે 7:15 વાગ્યે પીએમ મોદી દમણમાં આરોગ્ય, પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કુલ રૂપિયા 2,970 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂપિયા 1,630 કરોડના ખર્ચે બનનાર આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને NIFT કેમ્પસનો શિલાન્યાસ પણ સામેલ છે.
લક્ષદ્વીપમાં પ્રવાસન અને બંદરોનો થશે વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે ₹885 કરોડના ચાર મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ કલપેની અને કદમત ટાપુઓ પર આધુનિક બંદર સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે, જેના પરિણામે મોટા જહાજો અને ક્રૂઝ વહાણો માટે બર્થિંગની સુવિધા ઉપલબ્ધ બનશે. આ પહેલથી સ્થાનિક માછીમારો માટે રોજગારીની નવી તકો ઊભી થશે, પ્રવાસન ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે અને ટાપુઓના સામાજિક તથા આર્થિક વિકાસને નવી દિશા મળશે. ઉપરાંત, સુધારેલી કનેક્ટિવિટી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લક્ષદ્વીપને એક આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

.png)

.png)