માંગરોળ તાલુકાના વાંકલ ગામે તસ્કર ચોર ટોળકીએ ભગવાન કરુણા સાગર મંદિરનું તાળુ તોડી દાનપેટી ઉઠાવી જઈ રોકડ રકમની ચોરી કરી ગયા હતા. વાંકલ ગામમાં છેલ્લા ત્રણ ચાર માસમાં સંખ્યાબંધ ચોરીના બનાવો બની રહ્યા છે. થોડા સમય પહેલા કેટલાક ઘરોને નિશાન બનાવી તસ્કરો એ ચોરી કરી હતી. જે અંગેની વ્યાપક ફરિયાદો ઉગતા પોલીસ સફાળી જાગી હતી અને બે જેટલા ઇસમોને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ આ ચોરીનો સિલસિલો ફરી યથાવત રહ્યો છે.
બુધવાર રાત્રિ દરમિયાન વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર હાઈસ્કૂલ પાસે આવેલ ભગવાન કરુણા સાગર નું મંદિરને તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી આખે આખી દાનપેટી નજીકના ખેતરાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં દાન પેટીને તોડી રોકડ રકમ અંદાજિત ₹ 50,000 ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભગવાન કરુણા સાગર મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક સેવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસ તંત્રને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ ચોરીની ઘટના બાબતે મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ચૌધરી એ જણાવ્યું કે દિન પ્રતિદિન ચોરી ના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘર ફોડ ચોરી બાઈક ચોરી અને ઈલેક્ટ્રીક મોટરના કેબલની ચોરી થઈ રહી છે. ચોર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી પોલીસ તંત્ર કરે તેવી માગણી તેમણે કરી છે.

.png)