સરકારના ઈશારે એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી બિન શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ શરુ કરેલા મરણિયા પ્રયાસો સામે આખરે હંગામી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે.
આઉટ સોર્સિંગના ભાગરુપે યુનિવર્સિટી સત્તાધીશોએ જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે એજન્સીના ઈશારે કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવવાના શરુ કરાવ્યા છે. નવાઈની વાત એ છે કે, આ ફોર્મ પર કોઈ એજન્સી કે યુનિવર્સિટીનુ નામ નથી અને ફોર્મમાં કર્મચારીઓને પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવી અંગત અને સંવેનશીલ જાણકારી પૂરી પાડવાનો આદેશ અપાયો છે.
જેના પગલે કર્મચારીઓમાં વ્યાપેલો રોષ બેવડાયો છે. આજે હંગામી કર્મચારીઓએ વીજળીક વેગે હડતાળ પાડીને આઉટ સોર્સિંગનો વિરોધ કર્યો હતો. સાયન્સ ફેકલ્ટીની સામેના ગાર્ડનમાં સેંકડો કર્મચારીઓએ એકઠા થઈને દેખાવો કર્યા હતા.કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, એજન્સીના ઈશારે કર્મચારીઓને બળજબરથી આઉટસોર્સિંગના ફોર્મ ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જો ફોર્મ ના ભરીએ તો રજિસ્ટ્રારે ધમકી આપી છે કે, તમારો પગાર અટકાવી દેવામાં આવશે.કર્મચારીઓએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટી સત્તાધીશો 800 કર્મચારીઓના પેટ પર લાત મારીને એજન્સીને ફાયદો કરાવી રહ્યા છે.અમને એજન્સી નોકરી રાખશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.
દરમિયાન કર્મચારીઓએ આઉટ સોર્સિંગના વિરોધમાં આવતીકાલ, બુધવારથી હડતાળ પર ઉતરવાની વિચારણા પણ શરુ કરી છે.



.png)