રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ પક્ષો કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તારીખની જાહેરાત ક્યારે થશે? એની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે બારડોલીના સાંસદને તમામ વિગતો પ્રાપ્ત થઇ હોય એ રીતે આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યા છે કે ‘બે દિવસ બાદ આચારસંહિતા લાગી જશે.’ સાંસદના આ નિવેદનને લઈ રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા શરૂ થઈ છે.
હાલ રાજ્યમાં ખાતમુહૂર્તની વણઝાર
લોકસભાની ચૂંટણીની તૈયારીમાં હવે તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. ખાસ કરીને શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા એક બાદ એક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કરવાના શરૂ કરી દીધા છે. છેલ્લા 15 દિવસમાં કરોડના કામ સુરત શહેર અને જિલ્લામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. ત્યારે આજે સુરત જિલ્લાના પલસાણામાં અમદાવાદ- મુંબઈ હાઇ-વે ઉપર ફ્લાયઓવર બ્રિજ સહિતના 97 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું હતું.
બે દિવસ બાદ આચારસંહિતા લાગુ થઈ જશેઃ પ્રભુ વસાવા
ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે અતિઉત્સાહમાં સાંસદ એક બાદ એક કાર્યક્રમમાં હાજર આપી રહ્યા છે. ખાતમુહૂર્ત દરમિયાન પત્રકારો દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ અંગે પૂછતાં સાંસદે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની આચારસંહિતા બે દિવસ બાદ લાગુ પડી જશે. સાંસદ દ્વારા આત્મવિશ્વાસ સાથે આ વાત કરતાં આશ્ચર્ય ફેલાયું છે. 17 તારીખે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થશે, એવી વિગત તેમની પાસે કેવી રીતે પહોંચી હશે? ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભાજપના નેતાઓને પહેલેથી જાણ છે કે ક્યારે ઇલેક્શનની તારીખ જાહેર થવાની છે?



.png)