લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી ચૂકી છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું છે.
ગાંધીનગર ખાતે 3 કલાક સુધી યોજાઈ મહત્વની બેઠક
વિવાદ બાદ આજે ગાંધનગરમાં મુખ્યમંત્રી નિવાસ્થાને સાબરકાંઠા ભાજપના આગેવાનો સાથે મુખ્યમંત્રી બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દીપ સિંહ રાઠોડ, ધારાસભ્ય રમણલાલ વોરા, વી.ડી ઝાલા, ધવલસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગર ખાતે આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
ત્રીજા ઉમેદવારની જાહેરાત થવાની સંભાવના
વિવાદ સર્જાતા ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીખાજીના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભીખાજીના સમર્થનમાં કાર્યકરોએ ધડાધડ રાજીનામાં આપી દીધા હતા. અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીના સમર્થકોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. ત્યારે હવે ભાજપે શોભનાબેન બારૈયાને બદલીને નવા ચહેરાની શોધ શરૂ કરી છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

.png)