સોનગઢ ના ઉકાઈ રોડ પર શક્તિ નગરમાં તાપી એલસીબી પોલીસે રેડ કરી એક લિસ્ટેડ બુટલેગરના આંગણે પાર્ક કરેલી કારમાંથી પાસ પરમિટ વગર નો 84 હજારની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો.
આ અંગે મળેલી વિગત મુજબ તાપી જિલ્લા એલસીબી સ્ટાફ સોનગઢ તરફ પેટ્રોલિંગ માં હતો ત્યારે અપોકો જગદીશ જોરારામ અને અનિરુદ્ધ સિંહ દેવસિંહ ને બાતમી મળી હતી કે વાકવેલ શક્તિ નગરમાં ભાડાના મકાનમાં રહેતો લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોક પાટીલના આંગણામાં પાર્ક થયેલી સ્વિફ્ટ કાર નંબર (GJ-26-AE-0833)માં પાસ પરમિટ વગરનો વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે. આ આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કાર માંથી વિદેશી દારૂની કુલ 1680 બોટલ કિંમત રૂ.84,000 અને બે મોબાઈલ કિંમત રૂ.5500 અને કાર કિંમત 5 લાખ મળી રૂ.589500નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
આ બનાવમાં પકડાયેલા આરોપી વિપુલની પોલીસે પૂછપરછ કરતાં આ દારૂ પીપળનેરના રાજુ નામના ઈસમે ભરાવ્યો હતો અને માંડવીના અરેઠ તરફના ગોવિંદ જશવંત ચૌધરીએ મંગાવ્યો હતો. આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.