તાપી :વ્યારા ખાતે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" યોજતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0
રાજ્ય અને દેશના લોકો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સામે આશાની મીટ માંડી રહ્યા છે. તેમ જણાવતાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના રાજયવ્યાપી અભિયાન બાદ ખેડૂતો અને તેમના ખેત ઉત્પાદનની માંગ વધશે. દેશના લોકો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનની દ્રષ્ટિએ જોશે. ગાય, ગોબર, અને ગૌમૂત્રનુ મહત્વ વર્ણવતા રાજયપાલએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ની ભાવના સાથે ખેત ઉત્પાદન કરતા ખેડૂતોને અભિનંદન પાઠવી ખેતીમાં થતા નીંદામણ/કચરાને કંચન સમજવાની અપીલ કરી તેના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલએ તાપી જિલ્લાના વ્યારામાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતો વચ્ચે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સૂક્ષ્મ તફાવત સ્પષ્ટ કરી, પ્રાકૃતિક ખેતી અંગેના તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા.રસાયણ મુક્ત ખેતી, અને જીવામૃતને જીવનનું અમૃત સમજવાની અપીલ કરતાં રાજયપાલએ ધરતીનું ધન ફળદ્રુપતા છે તેમ ઉમેર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોની પ્રસંશા કરતાં રાજ્યપાલએ સિદ્ધહસ્ત વૈજ્ઞાનિકો અને અનુભવ પ્રચુર વરિષ્ઠ અધિકારીઓના જ્ઞાન અને સમજણના માર્ગ ઉપર આગળ વધવાની પણ ખેડૂતોને હિમાયત કરી હતી.
                                                 





ધરતીના સૂક્ષ્મ જીવાણુઓની કાર્યપદ્ધતિ સ્પષ્ટ કરી
રાજ્યપાલ એ પ્રકૃતિના ચક્રની બારીકાઈ વર્ણવી ધરતીના સૂક્ષ્મ જીવાણુઓની કાર્યપદ્ધતિ સ્પષ્ટ કરી હતી. ગાય, અળસિયા, સૂક્ષ્મ જીવાણુ, વર્ષાનું પાણી, અને આચ્છાદન એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના સાચામિત્રો છે, તેમ રાજ્યપાલશ્રીએ સદ્રષ્ટાંત સ્પષ્ટ કર્યું હતું. પૃથ્વી અને આકાશના ઓર્ગેનિક કાર્બનનુ સંતુલન જાળવી, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી વિશ્વના તમામ જીવોનુ રક્ષણ કરી શકાય છે તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યની પાંજરાપોળોમાંથી વિનામૂલ્યે દેશી ગાય આપવાની નીતિ તૈયાર થઈ રહી હોવાનું જણાવી રાજ્યપાલએ, દેશ આખાના ખેડૂતો અહીંના પરિશ્રમી ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લેશે તેવો આશાવાદ વ્યકત કરી, સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે રાજ્ય સરકાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવ્યું હતુ.ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનું પવિત્ર યજ્ઞકાર્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કરી રહ્યા છે. તેમને રસાયણનો ત્યાગ કરીને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનું આહ્વાન પણ રાજયપાલએ કર્યુ હતું.


                                     


વ્યારા સ્થિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ"નુ આયોજન કરાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી, અને આગ્રહી છે. તેમના માર્ગદર્શન, અને રસને કારણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને ઉત્તરોતર નવી દિશા મળતી રહે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા શુધ્ધ, સાત્વિક અન્ન મળી રહે, અને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કેન્સર, જેવા રોગોથી બચી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં નુકશાનની સંભાવના ઊભી થાય, તો રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય મદદ માટે, પડખે ઊભી રહેવા તત્પર છે. ખેતી પ્રધાન ભારત દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિને પ્રાકૃતિક ખેતી તરફ દોરીને જમીનની ફળદ્રુપતા વધારવા સાથે, પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાનો સ્તુત્ય પ્રયાસ એટલે પ્રાકૃતિક ખેતી, તેવો એક સર્વસામાન્ય સાર્વજનિક મત ઉભો થવા પામ્યો છે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ"નુ આયોજન કરાયું હતું. આ પ્રસંગે બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, નિઝરના ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીત, આત્માના નિયામક એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયા, તાપી આત્મા પ્રોજેક્ટના અધિકારી અલ્કેશભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાના એક હજારથી વધુ પ્રગતિશીલ ખેડૂત ભાઇ, બહેનો કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પરિસંવાદના પ્રારંભે કલેકટર ભાર્ગવી દવેએ રાજ્યપાલ સહિતના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top