ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણીપંચની એપ વોટર ટર્ન આઉટમાં છેલ્લે 9 વાગ્યે મતદાનના આંકડા અપડેટ થયા હતા. ત્યાર બાદ એપમાં અપડેટ આવતી બંધ થઈ ગઈ હતી. જો કે બાદમાં એપ પર અપડેટ આવવા લાગી હતી. સૌથી ઓછું દ્વારકા જિલ્લામાં 15.86 અને સૌથી વધુ તાપી જિલ્લામાં 26.47 ટકા મતદાન નોંધાયું છે. આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થઈ રહ્યું છે.
અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસનો બાટલો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બન્ને દીકરો પણ સાયકલ લઈને આવી પહોંચી હતી. જ્યારે આપના રાજકોટ દક્ષિણના ઉમેદવાર દિનેશ જોશી પણ ગેસના બાટલા અને તેલના ડબ્બા સાથે વોટિંગ કરવા આવ્યા હતા. જ્યારે એક મતદારે પણ ગેસ સિલિન્ડર સાથે મતદાન કર્યું હતું. આમ આ ચૂંટણીમાં ગેસના બાટલાના ભાવ અને મોંઘવારીનો મુદ્દો છવાયો છે.


.png)