વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના દરબારમાં દર્શન કરવા પહોંચ્યા હતા. હાલ પીએમ આજથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસ પર છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા, ત્યારબાદ પવિત્ર રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતા. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ-અલગ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ શુક્રવારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા, તેમણે ગર્ભ ગૃહમાં લગભગ 20 મિનીટ સુધી બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર 3 મે 2017ના રોજ કેદારનાથ ગયા હતા. બાબાના દર્શન બાદ પીએમ મોદી આદિ શંકરાચાર્યની સમાધિના દર્શન કરવા ગયા હતા. આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી આ પ્રતિમાનું વજન 28 ટન છે. તે મૈસુરમાંથી પસંદ કરાયેલા ગ્રેનાઈટ પત્થરોમાંથી બનાવવામાં આવી છે.
બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ પીએમ બદ્રીનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બદ્રીનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી અહીં 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાંચ વખત કેદારનાથની મુલાકાત લીધી હતી.
મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ પહેરવેશે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું
કેદારનાથના દર્શનાર્થે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ સ્ટાઇલની ચર્ચા થઇ રહી છે. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો, તેમાં તેમનો પારંપરિક હિમાચલી લુક જોવા મળ્યો હતો. કેદારનાથમાં પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો છે, તેનો સંબંધ હિમાચલના ચંબા વિસ્તાર સાથે છે. આ ડ્રેસ તેમને ચંબા જિલ્લાની એક મહિલાએ ભેટ આપ્યો હતો.



.png)